રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ શિવનગરમાં મામાના ઘરે પાણીની ડોલમાં ડૂબી જતા આણંદપર બાઘીની બે વર્ષીય બાળકી ધર્મિષ્ઠા સોલંકીનું મોત નીપજ્યું હતું.આ મામલે કુવાડવા પોલીસે કાગળો કર્યા હતા.
મળતી વિગત અનુસાર,આણંદપર બાઘીમાં રહેતી ધર્મિષ્ઠા અનિલભાઈ સોલંકી (ઉં.વ.2) પોતાના નાના દેવરભાઈ ઉઘરેજીયાના ગ્રીનલેન્ડ ચોકડી નજીક શિવનગર શેરી નં.1માં આવેલા ઘરે હતી ત્યારે રમતા રમતા પાણીની ડોલમાં ડૂબી જતા તે બેભાન થઈ ગઈ હતી.બાદમાં પરિવારે તેને હોસ્પિટલ ખસેડતા તેમનું મોત નીપજ્યું હતું.
મૃતક ધર્મિષ્ઠા એક ભાઈ અને એક બહેનમાં નાની હતી.તેમના માતાનું નામ પૂજાબેન છે.પૂજાબેન છેલ્લા બે મહિનાથી રિસામણે પોતાના માવતર રાજકોટના શિવનગરમાં રહે છે.ગઈકાલે ધર્મિષ્ઠા તેમના મામાના સંતાનો સાથે રમતી હતી અને ઘરના સભ્યો બધા અંદર બેઠા હતા.
ધર્મિષ્ઠાના મામી આશરે આઠેક વાગ્યાં આસપાસ રસોઈ બનાવી બધાને જમવા બોલાવવા માટે ગયા ત્યાં તેણે જોયું કે ફળીયામાં રહેલ બાથરૂૂમનો નળ ચાલુ હતો તેઓ નળ બંધ કરવા ગયા ત્યાં જોયું તો ડોલમાં ધર્મિષ્ઠા બેભાન થઈ ડૂબેલી હતી.
તેને તુરંત બહાર કાઢી પ્રથમ કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલની ઝનાના હોસ્પિટલમાં ખસેડાઈ હતી જોકે ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.આ બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
