અંજારના વરસામેડીમાં વેલસ્પન કંપનીના શ્રમિકને હથિયારના ઘા ઝીંકી પાડોશીએ રહેંસી નાખ્યો

બાઇક પર લઘુશંકા કરવા મામલે થયેલી માથાકુટ હત્યા સુધી પહોંચી અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી બાપુ કોલોનીમાં માત્ર બાઇક પર પેશાબ કરવા જેવી નજીવી અને…

બાઇક પર લઘુશંકા કરવા મામલે થયેલી માથાકુટ હત્યા સુધી પહોંચી

અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી બાપુ કોલોનીમાં માત્ર બાઇક પર પેશાબ કરવા જેવી નજીવી અને ક્ષુલ્લક બાબતે પરપ્રાંતિય એવા સંજયસિંહ પખુસિંહ ગૌડ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ બનાવના આરોપીને પોલીસે હાથવેંતમાં લીધો હતો. વરસામેડીની બાપુ કોલોની (આશાપુરા કોલોની)માં ગઇકાલે રાત્રે હત્યાનો આ બનાવ બન્યો હતો. અહીં રહેતા અને વેલસ્પન કંપનીમાં મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના સંજયસિંહ નામના યુવાનને રહેંસી નાખવામાં આવ્યો હતો. આ યુવાન છેલ્લા ચાર-પાંચ મહિનાથી તેના પરિવાર સાથે અહીં આવ્યો હતો અને મજૂરીકામ કરતો હતો.

છેલ્લા એકાદ મહિનાથી તેનો પરિવાર વતન જતાં આ યુવાન અહીં એકલો રહેતો હતો. વેલસ્પન કંપનીના પ્લાન્ટ નંબર 114માં કપડા ચેકિંગનું કામ કરનાર આ યુવાનની પિતરાઇ બહેન-બનેવી આ જ કોલોનીમાં એક શેરી પાછળ રહે છે. ફરિયાદી એવા આ મહિલા રિન્કીસિંહ શીતલ બહેગા ગઇકાલે સાંજે કામેથી આવી જમી-પરવારીને પોતાના મકાન પર હતા. દરમ્યાન, રાડારાડનો અવાજ થતાં આ મહિલા ત્યાં ગયા હતા, જ્યાં સંજયસિંહના રૂૂમ આગળ લોકોનું ટોળું એકઠું થયું હતું. મહિલા ત્યાં જતાં તેમનો પિતરાઇ ભાઇ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડયો હતો. તેના ગળાં, ચહેરા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકાયા હોવાનું બહાર આવ્યું હતું.

આ ફરિયાદીએ કોણે મારા ભાઇને મારેલ છે, તેવું પૂછતાં ટોળાંમાં હાજર અને સંજયસિંહની પાડોશમાં રહેતા અરવિંદે સંજય મારા મોટરસાઇકલ ઉપર પેશાબ કર્યો હતો, જેથી મેં તેને મારી નાખ્યો છે તેવું જણાવી બાદમાં આ આરોપી ત્યાંથી નાસી ગયો હતો. દરમ્યાન, લોકોએ એમ્બ્યુલન્સને જાણ કરતાં તે આવી જતાં આ યુવાનને લોહી નીંગળતી હાલતમાં સારવાર માટે લઇ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બાઇક ઉપર પેશાબ કરવા જેવી બાબતે તીક્ષ્ણ હથિયાર વડે ગળાં-ચહેરા-છાતીમાં ઘા ઝીંકી યુવાનની હત્યાના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી દોડધામ આદરીને આ આરોપીને હાથવેંતમાં લઇ લીધો હોવાનું બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *