એસ્ટિમેન્ટ બનાવવાનો ખેલ કે એજન્સીઓ સાથેની સાંઠગાંઠ, ચર્ચા જાગી
મનપાના દરેક કામો માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જે તે પ્રોજેકટની એસ્ટીમેન્ટ રકમ દર્શાવવામાં આવતી હોય છે. ત્યારબાદ એજન્સી દ્વારા ઉચા અથવા નીચા ભાવથી ટેન્ડર ભરવામાં આવે છે. પરંતુ આજની સ્ટેન્ડિંગમાં રજૂ થયેલ 115 દરખાસ્ત પૈકી 6 દરખાસ્તના રી-ટેન્ડર કરવાની સુચના સાથે દરખાસ્ત પરત મોકલવામાં આવેલ જેનુ કારણ એસ્ટીમેન્ટ કરતા ભાવ વધુ હોવાનુ જણાવવામાં આવ્યુ છે. આથી અધિકારીઓની બેદરકારી કે, એજન્સીઓ સાથે સાઠગાઢના કારણે વર્ષોથી થતા કામોમાં પણ એસ્ટીમેન્ટ નીચુ બતાવી બેદરકારી આચવામાં આવી હોવાની ચર્ચા જાગી છે.
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે એજન્સીએ એસ્ટીમેન્ટ કરતા ઉચા ભાવ ભરેલ 6 દરખાસ્ત માટે રી-ટેન્ડર આદેશ થયા હતા જેમાં વોર્ડ નં.4માં આજી નદી પર ભગવતીપરા પાસે બેઠુ નાલુ બનાવવા રૂા.52.91 લાખનો ખર્ચ તથા વોર્ડ નં.4માં ઓમ પાર્ક મેઇન રોડ બ્રિજ બનાવવા માટે 2.96 કરોડનો ખર્ચ તથા સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જૂદા જૂદા બગીચાઓ અને સિનીયર સિટીઝન પાર્ક તથા બાલક્રિડા ગણની એક વર્ષ માટે જાળવણીનો રૂા.1.56 લાખનો ખર્ચ તથા વોર્ડ નં.8માં કાલાવડ રોડ અને નાનામવા રોડ વચ્ચેના બાકી રહેતા વિસ્તારમાં ડીઆઇ પાઇપ નાખવાનુ અને ડામર રોડ રીસ્ટ્રોરેશનનું રૂા.72.48 કરોડનુ કામ તથા વોર્ડ નં.8માં રૈયારોડ, નર્મલા રોડ, કાલાવડ રોડ, સહકાર રોડ વચ્ચેના વિસ્તારોમાં ડીઆઇ પાઇપ લાઇન નાખવાનુ 22.93 કરોડનુ કામ સહિત કામોમાં તમામ એજન્સીઓ દ્વારા એસ્ટીમેન્ટ કરતા ઉચા ભાવો ભરતા આ 6 દરખાસ્તનુ રી-ટેન્ડર કરવાના આદેશ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કરવામાં આવ્યા હતા.
