ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ગરમાવા વચ્ચે હાલ નર્મદા જિલ્લામાં એક મોટો રાજકીય વિવાદ સામે આવ્યો છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ એક જાહેર મંચ પરથી ગંભીર આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. વર્ષા વસાવાએ દાવો કર્યો હતો કે, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે ભાજપના જ વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો છે. આ નિવેદન બાદ સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે.
આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકતા સાંસદ મનસુખ વસાવાએ તાત્કાલિક સ્પષ્ટતા કરી છે. તેમણે વર્ષા વસાવાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, “ચૂંટણી જીતવાના આયોજન બાબતે મેં નીલ રાવને થોડા ઊંચા અવાજે સૂચના આપી હતી, પરંતુ મારપીટ કે લાફો મારવાની કોઈ ઘટના બની જ નથી.” તેમણે ઉમેર્યું કે આ પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર માત્ર ભ્રમ ફેલાવવા માટે કરવામાં આવી રહી છે.
મનસુખ વસાવાએ વર્ષા વસાવા પ્રત્યે નરમાશ દાખવતા જણાવ્યું હતું કે, “વર્ષા વસાવા મારી દીકરી સમાન છે. તેમને આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા સેલના લોકો દ્વારા ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, સુરત અઅઙના સોશિયલ મીડિયામાં કામ કરતા લોકો આ પ્રકારના ખોટા નિવેદનો આપવા માટે વર્ષા વસાવા પર દબાણ કરી રહ્યા છે.
સાંસદે આમ આદમી પાર્ટી પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે, પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતર વસાવા અને મારા વચ્ચે તિરાડ પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. મનસુખ વસાવાએ દાવો કર્યો હતો કે ચૈતર વસાવાએ પોતે તેમને કહ્યું હતું કે, “મારે તમારી વિરુદ્ધ બોલવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ પાર્ટીના દબાણને કારણે મારે આવું બોલવું પડે છે.” આમ, તેમણે આ સમગ્ર વિવાદને અઅઙ નું રાજકીય કાવતરું ગણાવ્યું છે.
નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ હોવાની ચર્ચાઓને ફગાવતા સાંસદે સ્પષ્ટ કર્યું કે સંગઠન એકજુથ છે. નીલ રાવ અને તેમની વચ્ચે માત્ર કામકાજ બાબતે ચર્ચા થઈ હતી, જેને વિરોધ પક્ષો દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. “મારામારીની વાત તદ્દન ખોટી છે” તેમ કહીને તેમણે ભાજપના કાર્યકરોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
