નવ રાજયો- કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગવર્નરોની નૂતન નિયુક્તિ: દિલ્હી, બંગાળ, મહારાષ્ટ્રમાં ફેરફાર
ભારતના રાષ્ટ્રપતિ ભવન દ્વારા આજે દેશના વિવિધ રાજ્યોના રાજ્યપાલો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો (LG) ની મહત્વની નિમણૂકો અને ફેરબદલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વ્યાપક ફેરબદલમાં અનેક કદાવર નેતાઓ અને વહીવટકર્તાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ કચેરી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ હિમાચલ પ્રદેશના વર્તમાન રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાની તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જયારે તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માને હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદે ખસેડવામાં આવ્યા છે. બિહારના નવા રાજ્યપાલ તરીકે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈનની વરણી કરવામાં આવી છે અને તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિને હવે પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત નંદ કિશોર યાદવની નાગાલેન્ડના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દ્ર ગુપ્તાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
દિલ્હી અને લદ્દાખ જેવા સંવેદનશીલ કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટી વડાઓમાં પણ ફેરફાર કરાયા છે. જેમાં તરનજીતસિંહ સંધુની દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે તથા દિલ્હીના વર્તમાન એલજી વી. કુમાર સક્સેનાને હવે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરાયા છે.
તામિલનાડુમાં કાયમી રાજ્યપાલની નિમણૂક અંગે હજુ પણ ઉત્સુકતા જળવાઈ રહી છે. કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને તામિલનાડુના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. લાંબા સમયથી જેમના નામની ચર્ચા હતી તેવા કે. કૈલાશનાથનની ભૂમિકા અંગે અત્યારે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે રાજકીય વર્તુળોમાં સસ્પેન્સ યથાવત રહ્યું છે.
