સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત 53માં વાર્ષિક ખેલકુદ મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલ 70 થી વધુ કોલેજના 1800થી વધારે ખેલાડીઓ ભાગ લેશે. જેમાં ત્રણ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનમાં 5થી 7 ડિસેમ્બર દરમિયાન ખેલકૂદ રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. ભાઈઓ અને બહેનોની 19 ઇવેન્ટ યોજવામાં આવી છે, જેમાં દોડ, કૂદ અને ફેંકની ઇવેન્ટ યોજાશે. આ વર્ષે પ્રથમ વખત ત્રણ નવી ઇવેન્ટ ઉમેરવામાં આવે છે. આ વખતે એમ.પીએડ. ભવન અને શારીરિક શિક્ષણના અધ્યાપકોને સાથે રાખી નેશનલમાં જે રીતે ટુર્નામેન્ટ થાય તે જ રીતે અહીં પણ એથલેટિક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌપ્રથમ આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય અને સાથે જ ખેલાડીઓની ઇવેન્ટ વાઇઝ વહેંચણી કરવામાં આવે. જે પછી પૂર્ણ થયા બાદ તુરંત તેની મેડલ સરેમની યોજવામાં આવશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થતા ખેલાડીઓને તે જ સ્થળે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતુ કે, 3 નવી ઇવેન્ટ ઉમેરવામાં આવી છે. ડેકેથ્લોન, હેપ્ટાથ્લોન અને 3000 મીટર ટ્રીપલ ચેસ એટલે કે, 3000 મીટર દોડની ઇવેન્ટ યોજાશે. જેમાં ડેકેથલોનમા 10 ઇવેન્ટ આવે અને એ ઇવેન્ટમાં દોડ, કૂદ અને ફેંક એમ ત્રણ ઇવેન્ટનું મિશ્રણ હોય છે અને ફક્ત ભાઈઓ માટે જ આ ઇવેન્ટ હોય છે. જ્યારે હેપ્ટાથલોન ફક્ત બહેનો માટેની ઇવેન્ટ છે. તેમાં સાત ઇવેન્ટ હોય છે. જ્યારે 3000 મીટર ટ્રીપલ ચેસ માત્ર ભાઇઓ માટેની ઇવેન્ટ થશે. જયારે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એટલે એક સ્પર્ધા આગામી તારીખ 26થી 30 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરની કલિંગા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ ખાતે રમાવાની છે, તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કક્ષાની એથ્લેટિક સ્પર્ધા યોજાશે.