રાજકોટમાં ચોમાસુ પુરુ થતાની સાથે જ પીવાના પાણીની ઘેરી ચિંતાનો ઓછાયો આવી ગયો છે. કારણ કે, શહેરીજનોની તરસ છીપાવતા ઘરઆંગણેના આજી 1 અને ન્યાર 1 ડેમમાં ડેડ વોટર બાદ કરતા 10 નવેમ્બર સુધી ચાલે તેટલુ જ પાણી છે.
આખુ વર્ષ નર્મદા મૈયાના સહારે જીવવાનું છે એ નક્કી જ છે. આગોતરા આયોજન માટે મહાનગરપાલિકાએ સરકાર પાસે વર્ષ આખુ ચાલુ તેટલા 4000 એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માગણી સરકાર પાસે કરી છે. સરકારે વર્ષ દરમિયાન 4000 એમ.સી.એફ.ટી. નર્મદા નીર આપવાની ખાતરી આપી છે. જ્યારે પણ જરૂૂર પડશે ત્યારે વર્ષ આખુ નર્મદા નીર સતત મળતુ જ રહેશે, કોઇપણ પ્રકારે પાણીકાપ નહીં જ આવે તેવી વધુ એક ખાતરી અને ખોખારો ખાયને વચન મેયર ડો.નેહલ શુકલે આજે મીડિયાકર્મીઓ સાથેની એક મુલાકાત દરમિયાન આપ્યુ હતુ.
વર્તમાન સંજોગોમાં રાજકોટની 20 લાખની વસતી પર ગંભીર જળ સંકટ તોળાઇ રહ્યું છે. આવા સંજોગોમાં મહાનગરપાલિકાએ આગોતરૂૂં આયોજન કરીને જો પુરતો વરસાદ ન થાય તો રાજકોટવાસીઓને નિયમિત 20 મિનિટ પાણી આપી શકાય તે માટે અને આગામી ચોમાસા સુધી આજીમાં 2100 અને ન્યારી ડેમમાં 1900 મળી કુલ ચાર હજાર એમસીએફટી એટલે કે અંદાજે 11,200 કરોડ લીટર પાણી ઠલવવાની માગણી સરકાર પાસે કરવામા આવી છે.
આમતો રાજકોટ માટે દર વર્ષે ફેબ્રુઆરી અને જૂન માસમાં રાજ્ય સરકાર પાસેથી નર્મદાનીર માંગવા પડે છે. પરંતુ આ વર્ષે ચોમાસુ પુરુ થતા જ શહેર નર્મદા મૈયાના ભરોસે આવી ગયુ છે. મહાનગરપાલિકા પાસે આજી ન્યારી અને મહદ અંશે ભાદર-1 સિવાય બીજા કોઇ જળસ્ત્રોત નથી. આ સિઝનમાં આજી અને ન્યારીમાં માત્ર બે દિવસનું જ નવુ પાણી આવ્યુ છે. ભાદર-1માં પણ પાણીની નહીવત આવક થઇ છે. આગામી ઉનાળા સુધી રાજકોટમાં પાણીની કટોકટી ન સર્જાય રાજ્ય સરકાર પાસે આજી અને ન્યારીમાં તબક્કાવાર ચાર હજાર એમસીએફટી એટલે કે અંદાજે 11,200 કરોડ લીટર નર્મદાનીર આપવા માગણી કરી છે.
ગત સપ્તાહ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા ગાંધીનગર ગયા હતા. વહેલામાં વહેલી તકે રાજકોટને નર્મદા નીર નહીં મળે તો ભયંકર કટોકટી સર્જાઇ શકે છે તેવી ચિંતા સાથે આંકડાકીય ચિતાર આપ્યો હતો. સરકારે રાજકોટને 4000 એમ.સી.એફ.ટી. નર્મદા નીર આપવાની પાકા પાયે ખાતરી આપી હોવાની આજે મેયર ડો.નેહલ શુક્લે સતાવાર જાહેરાત કરતા એવુ વચન પણ આપ્યુ હતુ કે, રાજકોટ તરસ્યુ નહીં રહે. કોઇપણ પ્રકારે પાણીકાપ મુકાશે નહીં.
