અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સામેલ અને વિશ્વના સૌથી મોટા અમેરિકન યુદ્ધજહાજ ‘USS ગેરાલ્ડ આર. ફોર્ડ’ (CVN-78)માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાતા સમુદ્રમાં તૈનાત આ વિશાળ એરક્રાફ્ટ કેરિયરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટના યુદ્ધ સાથે સંબંધિત નથી તેમ અમેરિકન નેવીએ સ્પષ્ટ કર્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, 12 માર્ચના રોજ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાના અલ વજહના કિનારા પાસે આ યુદ્ધજહાજ પર આગ લાગી હતી.
આગની શરૂૂઆત જહાજના મેઈન લોન્ડ્રી વિસ્તારમાંથી થઈ હતી. આ અકસ્માતમાં અમેરિકાના બે સૈનિકો સામાન્ય દાઝ્યા છે, જેમને હાલ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું અને ઈજાઓ જીવલેણ ન હોવાનું નેવી દ્વારા જણાવાયું છે.
અમેરિકાએ દાવો કર્યો છે કે, આ આગને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે જહાજના મુખ્ય એન્જિન ગણાતા પ્રોપલ્શન પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી. આ એરક્રાફ્ટ કેરિયર અત્યારે સંપૂર્ણપણે ચાલુ સ્થિતિમાં છે અને ’ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યું છે. આ યુદ્ધજહાજ સાથે અન્ય ત્રણ સહાયક જહાજો – USS મહાન, USS બેનબ્રિજ અને USS વિન્સ્ટન એસ. ચર્ચિલ પણ તૈનાત છે.
