મિલકત વેરા, વ્યાજમાફી યોજના તા.31 માર્ચ સુધી ચાલુ, લાભ લેવા અનુરોધ
મહાનગરપાલિકાની કમાઉ દીકરા સમાન વેરાવિભાગની આવકમાં આ વખતે પણ વર્ષ પૂર્ણ થાય તે પહેલા નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી માસની મિલકત જપ્તી અને સિલીંગ સહિતની કામગીરીની અસર આવકમાં ખાસ જોવા મળી છે.
જેમા હવે વ્યાજમાફી યોજના લાગુ કરાતા અનેક આસામીઓએ તેનો લાભ લેતા છેલ્લા 10 દિવસથી આવકમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2025-26ના બેજટમાં વેરા વિભાગની આવક 456 કરોડ અંદાજવામાં આવેલ જેની સામે આજ સુધીમાં રૂા.389.29 કરોડની થઇ ગઇ છે. વર્ષ પૂર્ણ થવાને હજૂ 23 દિવસનો સમય બાકી હોય વધુમાં વધુ કરદાતાઓ વ્યાજમાફી યોજનાનો લાભ લેશે તેવી સંભાવના જોવાઇ રહી છે. જેની સામે સરકારી મિલકતોનો વેરો પણ માર્ચ મહિનાના અંતમાં વધુ આવતો હોય આગામી દિવસો દરમ્યાન બાકી રહેલ સરકારી મિલકતોના વેરાની મોટી રકમ જમા થવાની સંભાવના જોવાઇ રહી છે. જેના લીધે બજેટનો લક્ષ્યાંક આ વર્ષે પણ પૂર્ણ થવાની શકયતા વેરા વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા વર્ષ 2025-26 માટે વેરાની વસુલાત કરવા માટેની ઝુંબેશ હાલ કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોન રેસિડન્સ, રેસિડન્સ, કોમર્શીયલ, સરકારી મિલકત જેવી મિલકતોનો વેરો બાકી હોય તો તેમને વેરા-બિલથી મિલકતવેરો ભરપાઈ કરવાની જાણ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ 2025-26માં વ્યાજ માફીની સ્કીમ લાવામાં આવી છે. જેમાં જો બાકી મિલકતવેરાની સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવે તો મિલકત વેરાના વ્યાજ પર રૂૂ.5000 તથા પાણીના વેરાના વ્યાજ પર રૂૂ.5000 એમ કુલ રૂૂ.10,000 નું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર થાય છે. આ યોજનાનો લાભ નાગરિકો તા.31/03/2026 સુધી લઈ શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન તા.01/04/2025 થી તા.07/03/2026 સુધી કુલ રૂૂ. 389.29 કરોડની વસુલાત થઈ છે.
સરકારી મિલકતોની નોંધપાત્ર આવક
વસુલાતમાં સરકારી વિભાગો દ્વારા તેમના હસ્તકની મિલકતોના મિલકત વેરા અને પાણી ચાર્જીસ ચુકવવામાં આવેલ છે. જેમાં ફેબ્રુઆરી માસમાં 1) ગર્વનમેન્ટ ઓફ એન્જીનીયરીંગ કોલેજ દ્વારા રૂૂ.58.61 લાખ 2) પી.જી.વી.સી.એલ દ્વારા રૂૂ.45.37 લાખ 3) સ્પોર્ટ્સ ડીપાર્ટમેન્ટ દ્વારા રૂૂ.30.95 લાખ 4) જૂની કોર્ટ દ્વારા રૂૂ.17.36 લાખ 5) યાંત્રિક ભવન દ્વારા રૂૂ.11.00 લાખ 6) નાયબ નિયામક કચેરી દ્વારા રૂૂ.14.18 લાખ 7) મામલતદાર કચેરી દક્ષિણ દ્વારા રૂૂ.6.43 લાખ 8) પી.ડબલ્યુ.ડી દ્વારા રૂૂ.65.47 લાખ 9) ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા રૂૂ.5 હજાર, આમ કુલ રૂૂ.2.49 કરોડ જેટલી રકમ ચુકવેલ છે અને ચાલુ માસમાં 1) સિવિલ હોસ્પિટલ દ્વારા રૂૂ.74.65 લાખ 2) જી.એમ.એસ.સી.એલ દ્વારા રૂૂ.4.85 લાખ 3) પોસ્ટલ ડેપો દ્વારા રૂૂ.17.22 લાખ 4) સેન્ટ્રલ જી.એસ.ટી કચેરી દ્વારા રૂૂ.17.65 લાખ આમ કુલ રૂૂ.1.14 કરોડ જેટલી રકમ ચુકવેલ છે.
