ચૂંટણી જાહેર થાય તે પૂર્વે મુખ્યમંત્રીની હાજરીમાં મોટો કાર્યક્રમ યોજવા મનપાની તૈયારીઓ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભાનું સત્ર પુરૂ થયા બાદ ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવના જોવાઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર પણ વિકાસ કામોનું ઝડપી લોકાર્પણ અને ખાતમુહુર્ત કરી રહી છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજકોટના મહેમાન બને તેવી શક્યતા હાલ દેખાઇ રહી છે. તેઓના હસ્તે કોર્પોરેશનના રૂૂ.751 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સંભવત: મુખ્યમંત્રીની જાહેર સભાનું પણ આયોજન ગોઠવાઇ રહ્યાનું જાણવા મળેલ છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર થયા બાદ આચાર સંહિતા અમલમાં આવી ગયા પછી કોઇપણ વિકાસ કામો શરૂૂ થઇ શકતા નથી કે પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ થઇ શકતું નથી. અંતિમ સ્ટેન્ડિંગમાં કરોડો રૂૂપિયાના કામોને બહાલી આપવામાં આવી છે. જે શરૂૂ થઇ જાય તે દિશામાં તંત્ર દ્વારા પ્રયાસો શરૂૂ કરી દેવામાં આવ્યા છે. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ સીએમઓમાં મુખ્યમંત્રીનો સમય પણ માંગ્યો છે. સંભવત: આગામી શનિવારે રાજકોટ આવે તેવું હાલ લાગી રહ્યું છે.
સીએમ ભૂપેન્દ્રભાઇના હસ્તે કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા 1000થી વધુ આવાસોનું લોકાર્પણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત જે કામો પૂર્ણતાના આરે છે તેનું પણ લોકાર્પણ થઇ જશે. ટૂંકમાં રૂૂ.190 કરોડના 5 થી 6 કામોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ન્યારી ડેમ ખાતે નિર્માણ પામનાર સૌથી મોટા 150 એમએલડીની ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જ્યુબેલી શાકમાર્કેટનું રિનોવેશનના કામનું, વોર્ડ નં.4માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કામનું, કનક રોડ સ્થિત ફાયર સ્ટેશનના નવીનીકરણના કામનું, વોર્ડ નં.15માં 30 કરોડના ખર્ચે બનનારા ફાયર સ્ટેશનના કામનું સહિત રૂૂ.567 કરોડના 40 વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
સીએમઓમાંથી શનિવારનો સમય આપવામાં આવ્યો છે. જો કે, તારીખ હજુ ફાઇનલ નથી પરંતુ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીની જાહેર સભાનું આયોજન પણ ગોઠવાઇ રહ્યું છે. આવતા સપ્તાહે ગમે ત્યારે ચુંટણીની તારીખ જાહેર થઇ જાય તેવી સંભાવના જણાઇ રહી હોય કોર્પોરેશન 751 કરોડના વિકાસ કામોનું શક્ય તેટલું ઝડપી ખાતમુહુર્ત કે લોકાર્પણ કરવા માટેની તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.
