દીક્ષાર્થીકુમારી ડિમ્પલબેન નવીનભાઈ વિરાણી યુવાન વયમાં જૈન શાસનને સમર્પિત થયા. દીક્ષાર્થીકુમારી ડિમ્પલબેન ઘણા વર્ષોથી જૈન દીક્ષા અંગીકાર કરવાની ભાવના ભાવી રહેલ તેથી જૈન ધર્મના આગમોનો જ્ઞાન-અભ્યાસ ગુરુકૃપાથી વિશેષ રૂૂપે કરી રહેલ. વૈરાગ્યના ભાવો ખૂબ જ દ્રઢ બનેલ અને પરિવારજનોની પણ ઉત્તમ ભાવના કે ચિ. ડિમ્પલબેનની દીક્ષા ગ્રહણની ભાવના વહેલાંસર પૂર્ણ થાય. દીક્ષાર્થીની સર્વે યથાયોગ્યતા ડિમ્પલબેનમાં છે તેની પૂર્ણ ચકાસણી કરી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટે અને ઋષભદેવ જૈન સંઘે પણ દીક્ષા સહમતિ પ્રદાન કરેલ.
તા. 3 મે 2025, શનિવારના રોજ કુમારી ડિમ્પલબેન નવીનભાઈ વિરાણીની દીક્ષા નિર્ધારિત થયેલ. તા. 3 મે, શનિવારના રોજ સવારે 6.00 કલાકે હેમુ ગઢવી હોલ, રાજકોટથી મહાભિનિષ્ક્મણ યાત્રાનો મંગલ પ્રારંભ પગપાળા થયેલ. જેમાં વિશાળ જન સમૂહે ભાગ લીધેલ, દરેક ભાઈઓ- બહેનો એ જૈન પ્રતિક રૂૂપ મુહપતિ મુખ ઉપર ધારણ કરીને દીક્ષાર્થીના ગગનચુંબી જય-જયકાર સાથે દીક્ષા ભૂમિ (વિરાણી હાઈસ્કૂલ) ટાગોર રોડ ખાતે પ્રયાણ કરેલ. કોઈપણ પ્રકારના આડંબર કે આરંભ-સમારંભ વગર, ખૂબ જ સાદગી સાથે બેંડવાજા, રથ, ડીજે વિના પગપાળા મહાભિનિષ્ક્મણ યાત્રા યોજાઇ. દીક્ષા ભૂમિ (વિરાણી હાઈસ્કૂલ)માં સવારે 6.00 થી જૈન દીક્ષા મહોત્સવનો પ્રારંભ થયેલ.
ભગવાન મહાવીર સ્વામીના જયવંતા જૈન શાસનના ગોંડલ સંપ્રદાયના ગુરુભગવંત બા.બ્ર. રાજેશમુનિજી મહારાજસાહેબે અનંતી કૃપા વરસાવીને અસંખ્ય દેવો-મહેન્દ્રો પણ ઝંખતા હોય એવા દીક્ષાના મહામૂલા ઉત્તમ કલ્યાણકારી-મંગલકારી-શ્રેયકારી નકરેમિ ભંતેથના પાઠ દીક્ષાર્થીકુમારી ડિમ્પલબેન નવીનભાઈ વિરાણીને ચતુર્વિધ શ્રીસંઘની ઉપસ્થિતિમાં વિરાણી હાઈસ્કૂલના ડુંગરગુરુ પ્રવજ્યા પટાંગણથમાં ભણાવ્યા. દીક્ષાર્થીની વર્ષોની ઉત્કૃષ્ટ-ઉત્તમ ભાવના પૂર્ણ થઈ ત્યારે સંયમ સમોવસરણ ચારેય દિશાઓથી ભગવાન મહાવીર સ્વામીના, જૈન શાસનના તથા નૂતન દીક્ષિત મહાસતીજી ભગવંતના જય-જયકારથી ગુંજી ઉઠેલ. નૂતન દીક્ષિત ભગવંતના મુખચંદ્ર ઉપર સંયમ અંગીકાર કર્યાના અનુપમ-અદ્વિતીય-અપૂર્વ આનંદ અને ઉત્સાહભર્યું સંયમનું તેજ ઝળહળી રહ્યું હતું. ઉપસ્થિત ભાઈઓ-બહેનો અદભૂત-અવરણીય સંયમમય વાતાવરણમાં ભાવવિભોર બનીને સંયમની અંતરથી અનુમોદના કરી દીક્ષા મહોત્સવના સાક્ષી બનાવની ધન્યતા અનુભવેલ. ત્યાર બાદ નૂતન દીક્ષિત મહાસતીજી ભગવંતનું નામ જાહેર નીચે મુજબ થયેલ.
દીક્ષાર્થી કુમારી ડિમ્પલબેન નવીનભાઈ વિરાણી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરીને શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયવંતા જૈન શાસનના ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આદ્યસ્થાપક ગચ્છાધિપતિ આચાર્ય ડુંગરસિંહજી સ્વામીના પટાનુપાટ બહુશ્રુત આચાર્ય બા.બ્ર. પરમ પૂજ્યશ્રી જશાજી સ્વામી પાટાનુપાટ સ્થવિર ગુરુદેવ પ્રેમચંદજી મહારાજના શિષ્યરત્ન ચારિત્રનિષ્ઠ અનંત ઉપકારી ગુરુભગવંત રાજેશમુનિજી મહારાજસાહેબના આજ્ઞાનુવર્તી હીરલગુરુણી પરિવારના સુદીર્ઘ સંયમ સ્થવિરા સાધ્વીપ્રમુખા અનંત ઉપકારી ગુરુણીભગવંત કુસુમબાઇ મહાસતીજીના સુશિષ્યા બા.બ્ર. કૃતજ્ઞાજી મહાસતીજી ભગવંત બનેલ.
સમગ્ર દીક્ષા મહોત્સવ જૈન શાસનની શોભા અને ગોંડલ સંપ્રદાયનું ગરિમા વધારીને આરંભ- સમારંભ, બેંડવાજા, ફોટોગ્રાફી, મૂવી, માઇક કે કોઈપણ ઇલેક્ટ્રીક સાધનોના ઉપયોગ વગર પૂર્ણ સાદાઈથી છતા ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયેલ. તેમજ અનેક ભવ્ય આત્માઓએ નાની દીક્ષા (આજીવન બ્રહ્મચર્ય વ્રત) પણ ગ્રહણ કરેલ તથા દેશ-વિદેશથી પધારેલ હજારો સંયમ પ્રેમીઓએ અનેક વ્રત નિયમો ધારણ કરી સંયમ અનુમોદના કરેલ.
ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટના સ્થાપક સભ્યો રમેશભાઈ વિરાણી, પંકજભાઈ શાહ, દિલીપભાઇ સખપરા, પરેશભાઈ પટેલ, પ્રતિકભાઈ કામદાર આદિ જૈન સમાજના અગ્રણીઓ સંયમ અનુમોદના કરેલ. નવ દીક્ષિત મહાસતીજી ભગવંતના દર્શન હાલ ઋષભદેવ ઉપાશ્રય, 1 તિરૂૂપતીનગર, નિર્મલા રોડ, રાજકોટ થાય છે. ઉપરોક્ત વિગત શ્રીસંઘ સહપ્રમુખ પરેશભાઈ પટેલે જણાવેલ છે.
