સાંજે 7-30થી ગુજરાત જાયન્ટસ- દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર
ટાટા વિમેન્સ પ્રીમિયર લીગના ત્રણમાંથી બે ટાઈટલ જીતનાર હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની મુંબઈ ઇન્ડિયન ટીમ આ વખતે ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે અને ત્રણેય સીઝનમાં ફાઇનલમાં પહોંચનાર તથા આ વખતે પહેલી જ વાર જેમિમા રોડ્રિગ્સની કેપ્ટન્સીમાં રમનાર દિલ્હી કેપિટલ્સની ટીમે પ્લે-ઑફમાં સ્થાન મેળવી લીધું છે.
રવિવારે દિલ્હીએ યુપી વોરિયર્ઝને આઠ બોલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિન સાથે હરાવી દીધું એટલે આપોઆપ મુંબઈની ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ હતી. દિલ્હીની મેરિઝેન કેપની ત્રણ વિકેટ તેમ જ શ્રી ચરની અને શિનેલ હેન્રીની બે-બે વિકેટને લીધે યુપીની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 122 રન કરી શકી હતી. દિલ્હીની ટીમે 18.4 ઓવરમાં 5/126 રનના સ્કોર સાથે મેચ જીતી લીધી હતી. એમાં લોરા વોલવાર્ટના 47 તેમ જ કેપ્ટન જેમિમાના અણનમ 34 રન અને શેફાલી વર્માના 29 રન સામેલ હતા.
આ વખતની ડબલ્યૂપીએલમાં હવે બે જ મેચ બાકી રહી છે. એશલેઈ ગાર્ડનરના સુકાનમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ચૂકી છે. વડોદરામાં આજે (સાંજે 7:30 વાગ્યાથી) પ્લે-ઑફના એલિમિનેટરમાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. એમાં જીતનાર ટીમ ગુરૂૂવાર, પાંચમી ફેબ્રુઆરીએ વડોદરામાં જ 2024ની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ સામે ફાઇનલમાં રમશે.
