ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી સર પ્રક્રિયા દરમિયાન છ રાજ્યોની મતદાર યાદીમાંથી અંદાજે 1,600 શંકાસ્પદ વિદેશી નાગરિકોના નામોની ઓળખ કરવામાં આવી છે. જોકે, આ રાજ્યોના કુલ 9.86 કરોડ મતદારો અને યાદીમાંથી હટાવાયેલા કુલ નામોની સરખામણીમાં આ આંકડો ખૂબ જ નાનો છે. મહત્ત્વની વાત એ છે કે ચૂંટણી પંચે રાજ્યોને શંકાસ્પદ વિદેશી નાગરિકોનો અલગથી આંકડો એકત્ર કરવા માટે જણાવ્યું નહોતું, જેના કારણે ઘણા રાજ્યો પાસે આવો કોઈ અલગ ડેટા ઉપલબ્ધ નથી.
સર હેઠળ કર્ણાટકની અંતિમ મતદાર યાદીમાંથી કુલ 99.7 લાખ નામો હટાવાયા હતા, જે દરમિયાન 716 વિદેશી નાગરિકોની ઓળખ થઈ હતી. બેંગલુરુ નોર્થમાં અહીં 545 નેપાળી નાગરિકો સહિત વિદેશીઓ મળ્યા હતા. દક્ષિણ કન્નડમાં અહીં 40 વિદેશીઓ મળ્યા (જેમાં નેપાળના 17, ઓસ્ટ્રેલિયા-અમેરિકાના 6-6, કેનેડાના 5, બ્રિટનના 2 તેમજ નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, આયરલેન્ડ અને નાઇજીરિયાના 1-1 નાગરિક સામેલ છે).
ઉડુપીમાં 47 અને ઉત્તર કન્નડમાં 22 વિદેશી નાગરિકો મળ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો પાસે મતદાર ઓળખપત્ર તો હતા, પરંતુ તેઓ શાળાના પ્રમાણપત્ર કે મિલકત સંબંધિત જરૂૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા.
એવીજ રીતે કેરળમાં અંદાજે 500 એવા લોકોની ઓળખ થઈ જેઓ વિદેશી નાગરિકતા ધરાવતા હોવા છતાં તેમના નામ મતદાર યાદીમાં નોંધાયેલા હતા. વિદેશી પાસપોર્ટ ધરાવતા 419 શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી હતી. અહીં 3 અફઘાની નાગરિકોની ઓળખ થઈ છે.
મેઘાલયમાં નેપાળી મૂળના 2 પુરુષોના નામ મળ્યા હતા, જેમણે ભારતીય મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. તેમના નામ તરત જ હટાવીને મામલો ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો હતો. નવાઇની વાત એ છે કે મ્યાનમાર સરહદની નજીક આવેલા મિઝોરમમાં એક પણ વિદેશી નાગરિકનું નામ મતદાર યાદીમાં મળ્યું નહોતું.
પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ અને તેલંગાણાના ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે શંકાસ્પદ વિદેશી નાગરિકોનો કોઈ અલગ ડેટા નથી. પંજાબમાં મતદારોને સામાન્ય શ્રેણીઓ હેઠળ જ વર્ગીકૃત કરાયા હતા. ઉત્તરાખંડના મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું કે આવા ડેટા એકત્ર કરવા એ ચૂંટણી અધિકારીઓના ક્ષેત્રાધિકાર બહારની બાબત છે. આ સિવાય ઓડિશામાં કિસ્સાઓ સામે આવ્યા હતા પરંતુ તેમની ચોક્કસ સંખ્યા નોંધવામાં આવી નહોતી.
બિહારથી SIRની શરૂઆત થઇ હતી
ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે પંચે રાજ્યોને શંકાસ્પદ વિદેશી નાગરિકોની અલગથી યાદી કે આંકડા એકત્ર કરવા માટે કોઈ સ્પષ્ટ નિર્દેશ આપ્યા નહોતા. જૂન 2025માં જ્યારે બિહારથી આ SIR ઝુંબેશ શરૂૂ કરવામાં આવી, ત્યારે ગેરકાયદેસર રીતે વસેલા વિદેશી નાગરિકોના નામ મતદાર યાદીમાં ઉમેરાઈ જવાની સમસ્યાને આ પ્રક્રિયા શરૂૂ કરવાનું એક મુખ્ય કારણ બતાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ સામે આવેલા આંકડા દર્શાવે છે કે આ બાબતે દરેક રાજ્યમાં ડેટા ભેગો કરવાની પદ્ધતિ એકસમાન રહી નથી; કેટલાકે તેની અલગ નોંધ રાખી છે તો કેટલાકે તેને સામાન્ય શ્રેણીમાં જ વર્ગીકૃત કર્યા છે.
