રાજકીય પક્ષા-પક્ષી ભૂલી એક મંચ પર આવવા આહ્વાન, પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા
ગામેગામ વ્યસનમુક્તિ સંગઠનો બનાવવા, ધર્મગુરુઓ, સામાજિક આગેવાનોને મેદાનમાં આવવા અપીલ
ગુજરાતમાં દારૂૂ, ડ્રગ્સ અને મેડિકલ નશાના વધતા જતાં દૂષણ સામે હવે દરેક સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠાકોર, કોળી પટેલ અને અન્ય પછાત સમાજના યુવાનોમાં વ્યસનો વધી રહ્યા છે. વ્યસનોને રોકવા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને પત્ર લખી સહયોગ આપવા માગણી કરી છે. આ પત્રમાં વ્યસનના કારણે બરબાદ થઈ રહેલા પરિવારો અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્યંત ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોરતા જણાવાયું છે કે, નશાના રવાડે ચઢેલા યુવાનો નાની ઉંમરે મૃત્યુને ભેટી રહ્યા છે.
ગેનીબેન ઠાકોરે લખેલાં પત્રમાં અત્યંત ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોરતા જણાવ્યું છે કે, નશાના રવાડે ચઢેલા યુવાનો નાની ઉંમરે મૃત્યુને ભેટી રહ્યા છે. સમાજની અનેક દીકરીઓ નાની ઉંમરે વિધવા બની રહી છે અને તેમના બાળકો નિરાધાર બની રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે વિધવા બહેનોના શોષણની ઘટનાઓ પણ વધી રહી છે. ખાસ કરીને સામાજિક પ્રસંગો અને પ્રવાસ દરમિયાન યુવાનોમાં નશાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. જે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ગેનીબેન ઠાકોરે પક્ષ-વિપક્ષના નેતાઓને વિનંતી કરી છે કે, સત્તા પક્ષ અને વિરોધ પક્ષ સાથે મળીને આ બદી સામે લડે તેવી મારી ઈચ્છા છે. તેમણે પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, જ્યાં સુધી પોલીસ દારૂૂ અને ડ્રગ્સ વેચનારાઓ પાસેથી ’હપ્તા’ લેવાનું બંધ નહીં કરે અને કાયદેસરની કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી નશાનું દૂષણ નાબૂદ થવું મુશ્કેલ છે.
આ પત્રમાં તેમણે સૂચનો કર્યા છે કે, ગામેગામ વ્યસનમુક્તિ સંગઠનો બનાવવામાં આવે. ધર્મગુરુઓ અને સામાજિક આગેવાનોના માધ્યમથી જનજાગૃતિ લાવવામાં આવે તેમજ પોલીસ વિભાગને પત્ર લખીને કડક દારૂૂબંધીની અમલવારી કરવામાં આવે.આ પત્રમાં ગેનીબેન પોતે કોંગ્રેસના નેતા હોવા છતાં ભાજપના ધારાસભ્યની પ્રશંસા કરી છે. રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વિસ્તારમાં દારૂૂબંધી કરાવવા એસપીને આવેદનપત્ર પાઠવીને નવી પહેલ કરી છે તેની પ્રશંસા કરી છે. અન્ય ધારાસભ્યો અને નેતાઓ પણ પોતાના મત વિસ્તારમાં આ રીતે લેટરપેડ લખીને પોલીસને જાણ કરે અને સહભાગી બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલની તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે રાજકીય નેતાઓએ દિલથી કામ કરવું પડશે. નહીંતર રાષ્ટ્રને મોટું નુકસાન થશે. તેવા શબ્દો સાથે પત્રમાં સમાજના ઉત્થાન માટે સહયોગની માંગ કરવામાં આવી છે.
