બટાકાના બમ્પર ઉત્પાદન વચ્ચે યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગેનીબેન સહિત કોંગ્રેસના કાર્યકરોએ પ્રતિકાત્મક રીતે ગળામાં બટાકાના હાર પહેરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ન્યાયની માંગ કરી હતી.
ખેડૂતોનો આક્ષેપ છે કે, અગાઉ કંપનીઓ સાથે બટાકાની ખરીદી માટે કરાર થયા હતા. પરંતુ હાલમાં બજારમાં ભાવ ઘટતાં કંપનીઓ કરાર મુજબ ખરીદી કરવા તૈયાર નથી. અનેક કંપનીઓના પ્રતિનિધિઓ ફોન ઉપાડતા નથી અને માર્કેટયાર્ડમાં પણ યોગ્ય ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
આંદોલનમાં ગેનીબેન ઠાકોર, ખેડૂત નેતા પાલ આંબલીયા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, શિવા ભૂરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોનો સ્પષ્ટ આક્ષેપ હતો કે, કંપનીઓએ કરેલા કરારોનો ભંગ કર્યો છે. તેથી સંબંધિત કંપનીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં કરાર મુજબ તરત જ બટાકાની ખરીદી શરૂૂ કરવી, માર્કેટયાર્ડમાં ન્યાયસંગત અને સ્થિર ભાવ સુનિશ્ચિત કરવો તથા ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવું.
