ભાવનગરના ત્રાપજ ગામ નજીક 6 ઓક્ટોબરના રોજ સવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં પ્રિતેશભાઈ બિપિનચંદ્ર ભાયાણી (ઉં.વ. 49)નું કરુણ મૃત્યુ થયું હતું. પુત્રના અકાળે થયેલા મૃત્યુના આઘાતમાં 56 કલાક સુધી પળે પળે પીડાતાં માતા જ્યોત્સનાબેન (જયશ્રીબેન) (ઉં.વ. 71)નું ગુરુવારે પુત્રના બેસણામાં જ હૃદયરોગના હુમલાથી મોત થતાં પરિવાર પર વધુ એક વજ્રઘાત તૂટી પડ્યો છે.
ભાવનગર શહેરના ઘોઘાગેટ ખાતે આવેલી દશાશ્રીમાળી કંડીબંધ જ્ઞાતિની વાડીમાં સાંજે 4 વાગ્યે સંયુક્ત બેસણું શરૂૂ થયું હતું. દરમિયાન બેસણું શરૂૂ થયાના માત્ર 10 મિનિટ બાદ, એટલે કે 4:10 વાગ્યે જ્યોત્સનાબેનને અચાનક ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાસ્થળે જ તેમને તાત્કાલિક ઈઙછ સહિતની પ્રાથમિક સારવાર આપવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ત્યારબાદ તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેમણે આખરી શ્વાસ લીધા હતા.અકાળે મોતને ભેટેલા પરિવારના સાત સભ્યોની આત્માની શાંતિ અર્થે આ સંયુક્ત સ્મરણાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જયેશભાઈ હિંમતલાલ વસાણી (58), પ્રિતેશભાઈ બિપિનચંદ્ર ભાયાણી (49), ભાર્ગવપરી વિલાસપરી ગોસાઈ (32), યોગીતભાઈ નટુભાઈ અજમેરા (51), વિજયકુમાર ચંદુલાલ વોરા (68), હિરેનકુમાર મહેશભાઈ મહેતા (56) અને પિયુષભાઈ બિપિનચંદ્ર શાહ (53)ને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ બેસણાનું આયોજન પારસ સ્ટીલ કોર્પોરેશન (પ્લોટ નં. 140), વિજયકુમાર એન્ડ કંપની (પ્લોટ નં. 138), ઉલકણ શીપ બ્રેકિંગ લિ. (પ્લોટ નં. 56) તથા ભૂપતરાય ચીમનલાલ શાહ ઠાણાવાળા સહ-પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભાવનગરના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ હાજર રહ્યા હતા.પરિવાર વતી ધર્મેન્દ્રભાઈ ઠાણાવાળાએ આભાર દર્શન કરતાં જણાવ્યું હતું કે, પરિવાર પર આવી પડેલી આ અત્યંત દુ:ખદ ઘડીમાં ભાવનગરના પરિવારજનો અને અગ્રણીઓએ ઉપસ્થિત રહી જે સાંત્વના આપી છે તે બદલ પરિવાર સૌનો આજીવન ઋણી રહેશે. એક તરફ ગોઝારા અકસ્માતમાં સાત સ્વજનો ગુમાવવાનું ભારે દુ:ખ અને બીજી તરફ પુત્રના બેસણામાં જ માતાના અચાનક અવસાનથી સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. અંતે ઉપસ્થિત સૌએ દિવંગત આત્માઓને ઈશ્વર પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
