માત્ર 30 ટકા ચહેરાઓને જ રીપિટ કરવામાં આવશે, અમુક જુના જોગીઓને ફરી મેદાનમાં ઉતારવા ભાજપનો વ્યૂહ, 20 ટકા સંપુર્ણ નવા ચહેરા
ગુજરાતમાં આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનાર પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીપત્રકો ભરવા માટે તા.11 એપ્રિલ છેલ્લો દિવસ છે તે પુર્વે સતાધારી પક્ષ ભાજપ દ્વારા આજથી ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજથી પ્રારંભ થયો છે અને સતત ત્રણ દિવસ આ બેઠક ચાલનાર છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસે યોજાયેલ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા સહીત 19 સભ્યો હાજર રહ્યા છે.
ભાજપના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે અને આવતીકાલે બે દિવસ તાલુકા- જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓના 10 હજાર ઉમેદવારો નક્કી થશે. જયારે તા.9ના રોજ ગુરૂવારે 15 મહાનગરપાલિકાઓના ઉમેદવારો નક્કી કરવામાં આવનાર છે. સંભવત: આજે સાંજથી જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોના લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.
જો કે, આ વખતે એન્ટીઇન્કમ્બસી ટાળવા ભાજપ દ્વારા નો રીપિટ થિયેરી અપનાવવામાં આવે છે કે કેમ? તે તરફ સૌની નજર મંડાયેલ છે. ત્યારે અમુક જુના જોગીઓને ફરીથી ચુંટણી મેદાનમાં ઉતારવામાં આવે તેવી વ્યુહરચના હોવાનું જણાવાય છે.માહિતી મુજબ, ભાજપ આ વખતે 50 ટકાથી વધુ નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું છે. સાથે જ લગભગ 30 ટકા વર્તમાન સભ્યોને ફરી તક આપવામાં આવશે, જ્યારે 20 ટકા સંપૂર્ણ નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવાની યોજના છે. દરેક ઝોનમાંથી નક્કી થયેલા નામોને પ્રદેશ ચૂંટણી સમિતિને મોકલવામાં આવ્યો છે જેમાંથી અંતિમ મંજૂરી મળ્યા બાદ ઉમેદવારોના નામ પર મહોર મરાશે.
60 વર્ષથી મોટા અને ત્રણ ટર્મ ચૂંટણી લડેલાને ટિકિટ નહીં મળે
પદાધિકારીઓના પરિવારજનોને ચૂંટણી લડવાની છૂટ
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના હાઈકમાન્ડે ટિકિટ વહેંચણી માટે કેટલાક કડક અને ઐતિહાસિક માપદંડો જાહેર કર્યા છે. પક્ષના પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠકમાં આ નવા નિયમોને મંજૂરી આપવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારવાદને રોકવાનો અને યુવા તથા સક્ષમ નેતૃત્વને આગળ લાવવાનો છે. આ નિર્ણયથી ભાજપમાં એક નવી રાજકીય દિશા જોવા મળી રહી છે.
જાહેર કરાયેલા નવા માપદંડો અનુસાર, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા કોઈપણ નેતાને હવે ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવશે નહીં.
આ ઉપરાંત, જે ઉમેદવારો સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા આવ્યા છે, તેમની ટિકિટ પણ આ વખતે કાપવામાં આવશે. આ બંને નિર્ણયો પક્ષમાં નવા ચહેરાઓને તક આપવા અને યુવા શક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી લેવામાં આવ્યા છે, જેથી સંગઠનમાં ગતિશીલતા અને નવચેતના જળવાઈ રહે.જો કે, સરકાર કે સંગઠનમાં કોઇપણ પદ ઉપર રહેલા પદાધિકારીઓના પરિવારજનોને ચૂંટણી લડવાની છુટ આપવામાં આવી છે.
અગાઉ ભાજપ હાઇકમાન્ડે પદાધિકારીઓના કોઇ પરિવારજનને ટિકિટ નહીં આપવા નિર્ણય લીધો હતો પરંતુ હવે તે પાછો ખેંચાયો છે.
