ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત, સુરક્ષામાં છીંડા?:BSF, સુરક્ષા એજન્સી અને FSL ઘટના સ્થળે
ગુજરાતનો દરિયો કાંઠો સૌથી વિશાળ છે સાથો સાથ અત્યંત સંબોધનશીલ પણ ગણાય છે ત્યારે ફરી એક વખત કચ્છનો દરિયો કિનારો ચર્ચાનો વિષય બન્યો છે છેલ્લા ઘણા સમયથી અહીં સમયાંતરે ડ્રગ્સના પેકેટ મળી આવતા હોય છે. ગુજરાતને ઉડતા પંજાબ ન થવા દેવા સ્ટેટ પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા કવચ વધારવામાં આવ્યું છે એને સમયાંતરે દરિયાઈ સુરક્ષા માટે પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે પરંતુ તેમ છતાં હાલ જે ડ્રગ્સ ના પેકેટોનું પ્રમાણ વધ્યું છે તે સુરક્ષા એજન્સીની કામગીરીઓ ઉપર પણ ઘણા ખરા પ્રશ્નો ઉભા કરે તેવું જાણકાર વર્તુળો કહી રહ્યા છે. જો સુરક્ષા સધન હોય તો કેમ આ પ્રકારની ઘટના અવારનવાર બને અને જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ ડ્રગ્સના પેકેટનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
ફરી એક વખત કચ્છના વિવિધ ટાપુ ઉપરથી 30 થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે જેનાથી સુરક્ષા એજન્સી સતર્ક બની છે અને તપાસ આરંભી છે. ડ્રગ્સ ના પેકેટ મળી આવતા જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન અલગ-અલગ લોકેશન પરથી જથ્થા મળી આવ્યા છે. જેમાં ખિદરત ટાપુ પર સર્ચ ઓપરેશન દરમિયાન સૌથી વધુ 10 પેકેટ મળી આવ્યા છે. સુગર બેટ વિસ્તારમાંથી પણ 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે તો કુંડી બેટ ટાપુ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન વધુ 10 પેકેટ મળી આવ્યા છે. મોટા પીરબેટ દરિયાઈ પટ્ટી પરથી 7 પેકેટ સુરક્ષા દળોના હાથે લાગ્યા છે. માંડવીના પાંચોટિયા દરિયાકિનારા નજીકથી પણ 7 પેકેટ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ પેકેટોમાં ચરસ અથવા હેરોઇન જેવો માદક પદાર્થ હોવાની આશંકા સેવાઇ રહી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે, તે દિશામાં એફએસએલની મદદથી તપાસ તેજ કરવામાં આવી છે. દરિયામાં ભરતી અને ઓટના કારણે આ પેકેટો પાકિસ્તાન સરહદ તરફથી તણાઈને ભારતીય સીમામાં આવ્યા હોવાની પ્રબળ શક્યતા છે.
આ ઘટના બાદ બીએસએફ, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ક્રીક વિસ્તાર અને ટાપુઓ પર સઘન સર્ચ ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું છે. ડ્રગ્સ માફિયાઓ દ્વારા સમુદ્ર માર્ગનો ઉપયોગ કરીને ભારતમાં નશીલા પદાર્થો ઘુસાડવાના પેંતરાને નિષ્ફળ બનાવવા માટે તમામ એડીઓ હાઈ એલર્ટ પર છે. આગામી દિવસોમાં વધુ પેકેટો મળે તેવી પણ સંભાવના છે. ગુજરાત પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે ત્યારે આવનારા સમયમાં માદક પદાર્થો જે મળી આવે છે તેનું પ્રમાણ ઘટે અને ગુજરાત મુક્ત બને તે દિશામાં નક્કર પગલા લેવામાં આવી રહ્યા છે અને તે દિશામાં હાલ તૈયારીઓ પણ શરૂૂ કરી દીધી હોવાનું જાણકાર વર્તુળો કહી રહ્યા છે.
