હજારો લોકો બેઘર, નારિયેળમાંથી બનાવેલા મકાનો હોવાથી આગ વધુ બેકાબૂ બની
દક્ષિણ ફિલીપીન્સના બોંગાઓ સ્થિત એક નાના ટાપુ પર મંગળવારે રાત્રે લાગેલી ભીષણ આગે આખી વસ્તીને તબાહ કરી દીધી છે. આગની જ્વાળાઓએ અંદાજે 1000 ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધા અને 5000 લોકોને બેઘર કરી દીધા. આ આગ એટલી ભયાનક હતી કે લગભગ ચાર કલાક સુધી સતત સળગતી રહી અને તેજ પવનોએ તેને વધુ ભયાવહ બનાવી દીધી. આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે આગ ’બારાંગાય લામિયન’ નામના વિસ્તારમાં શરૂૂ થઈ હતી. આ વિસ્તાર એક નાના ટાપુ પર વસેલો છે. જ્યાં ઘરો પાણીની ઉપર લાકડાના થાંભલાઓ પર બનેલા હોય છે. મોટાભાગના ઘરો લાકડું, વાંસ અને નારિયેળના પાંદડા જેવી હળવી સામગ્રીથી બનેલા હતા. ઘરો એકબીજાની અત્યંત નજીક હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી.
આ ભયાનક આગમાં 1000 થી વધારે ઘર બળીને ખાખ થયા હતા. આ ઉપરાંત આગને કારણે આખી વસ્તી લગભગ ખાલી થઈ ગઈ છે. અસરગ્રસ્ત લોકો અત્યારે ખુલ્લા આકાશ નીચે અથવા કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહેવા મજબૂર છે.અસરગ્રસ્તોનો પ્રાથમિક આંકડો જ 5 હજાર કરતા વધારે લોકોનો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં વિશાળ જ્વાળાઓ અને કાળો ધુમાડો જોઈ શકાય છે. ફેસબુક પેજ ‘S/B FM SeaJet’ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં આગની ભયાનકતા સ્પષ્ટ દેખાય છે. જ્વાળાઓ એટલી ઊંચી હતી કે દૂરથી પણ આખો વિસ્તાર સળગતો દેખાતો હતો.
આ પ્રકારના ટાપુઓ પર વસેલી વસ્તીઓ મોટાભાગે ગરીબ સમુદાયોની હોય છે. ઘરો પાણી પર થાંભલાઓ પર હોવાને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ સરળતાથી પહોંચી શકતી નથી. જ્વલનશીલ સામગ્રી અને ગીચતાને કારણે આગને મોકળું મેદાન મળે અને ફાયરવિભાગ અંદર સુધી જઇ શકતો નથી. તેજ પવનોએ આગને ફેલાવામાં મદદરૂૂપ સાબિત થયા હતા.
