ગેસ સપ્લાય ખોરવાતા મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

  વૈકલ્પિક ઈંધણ ન હોવાથી આગામી દિવસોમાં અનેક એકમો શટ ડાઉન થવાની સંભાવના, એસોસીએશનની મીટિંગ યોજાઈ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસરો…

 

વૈકલ્પિક ઈંધણ ન હોવાથી આગામી દિવસોમાં અનેક એકમો શટ ડાઉન થવાની સંભાવના, એસોસીએશનની મીટિંગ યોજાઈ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસરો હવે મોરબીના આંગણે પહોંચી છે. વૈશ્વિક સ્તરે ગેસ સપ્લાય ચેઈન ખોરવાવાના અણસાર વચ્ચે મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર ગેસ સંકટ ઘેરું બની રહ્યું છે. જો ગેસનો પૂરતો જથ્થો નહીં મળે તો આગામી દિવસોમાં મોરબીના સિરામિક એકમોને શટ ડાઉન કરવાની નોબત આવી શકે છે. જેને પગલે ઉદ્યોગકારોમાં ભારે ચિંતા વ્યાપી છે.

આ ગંભીર પરિસ્થિતિને પારખીને મોરબી સિરામિક એસોસિએશનના હોદેદારોએ તાત્કાલિક ધોરણે ગુજરાત ગેસની કચેરીએ પહોંચીને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. સિરામિક ઉદ્યોગ ગેસ પર નભતો હોવાથી, ભવિષ્યની રણનીતિ અને પ્રોડક્શન પ્લાનિંગ નક્કી કરવા માટે એસોસિએશન દ્વારા અધિકારીઓ સમક્ષ સ્પષ્ટ ચિત્ર રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન સિરામિક એસોસિએશનના હોદેદારોએ ગુજરાત ગેસના અધિકારીઓ સમક્ષ મુખ્યત્વે ત્રણ સવાલો ઉઠાવ્યા હતા. જેમાં ગુજરાત ગેસ મોરબીના ઉદ્યોગોને હજુ કેટલા દિવસ સુધી અવિરત ગેસ સપ્લાય આપી શકશે? કટોકટીના સમય માટે કંપની પાસે ગેસનો કેટલો રિઝર્વ જથ્થો રાખવાનું છે? આગામી દિવસોમાં જો સપ્લાય ઘટે તો ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં કેટલો કાપ મુકવામાં આવશે? આવા પ્રશ્નોનો સમાવેશ થાય છે.
આ પ્રશ્નોના ઉત્તરમાં ગુજરાત ગેસના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિને જોતા ચોક્કસ આંકડાઓ ઉપરના લેવલેથી મેળવવા પડે તેમ છે. તેઓએ હેડ ઓફિસેથી સત્તાવાર ડેટા મંગાવીને ટૂંક સમયમાં જ એસોસિએશનને આ અંગેની સચોટ માહિતી પૂરી પાડશે.

સિરામિક ટાઇલ્સના ઉત્પાદનમાં ગેસ અનિવાર્ય છે. અન્ય કોઈ સસ્તો અને સક્ષમ વૈકલ્પિક ઇંધણ ન હોવાથી, જો ગેસનો સપ્લાય ખોરવાય કે મોટો કાપ આવે, તો ફેક્ટરીઓનું પ્રોડક્શન ચાલુ રાખવું અશક્ય બની જાય છે. હાલના સંજોગો જોતા જો સપ્લાય ઘટશે તો અનેક એકમોએ ફરજિયાત શટ ડાઉન કરવું પડશે.

હજારો કિલોમીટર દૂર ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે લડાઈ રહી છે, પરંતુ તેની સીધી ચોટ મોરબીની લોકલ ઈકોનોમી પર પડી રહી છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આપે છે. વિદેશી યુદ્ધના કારણે ઉદભવેલી આ ગેસ કટોકટીએ સાબિત કર્યું છે કે વૈશ્વિક રાજકીય અસ્થિરતા મોરબીના સ્થાનિક ઉદ્યોગને કેટલી હદે પ્રભાવિત કરી શકે છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જીસીસી (ૠઈઈ) દેશોમાંથી આવતી ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સપ્લાય અત્યારે સ્થગિત થઈ ગઈ છે. ઈરાને હોર્મુઝ પોઈન્ટ પર જહાજો રોકી દીધા હોવાથી આ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલમાં મોરબીમાં પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપનીઓ પાસે પણ ત્રણેક દિવસનો જ સ્ટોક બચ્યો હોવાનો અંદાજ છે અને તેઓ પણ વધુ સપ્લાય અંગે કોઈ ખાતરી આપી શકતા નથી.

આ ગંભીર પરિસ્થિતિને લઈને સિરામિક એસોસિએશન દ્વારા ગુજરાત ગેસના અધિકારીઓ સાથે પણ મીટિંગ કરવામાં આવી હતી. જોકે, ગુજરાત ગેસ પાસે પણ હાલ કેટલો ગેસ ઉપલબ્ધ છે અને તેઓ કેટલા દિવસ સપ્લાય આપી શકશે તેનો કોઈ સ્પષ્ટ કે સંતોષકારક જવાબ ન હતો. જો આગામી દિવસોમાં યુદ્ધની સ્થિતિમાં સુધારો નહીં થાય અને ગેસનો સપ્લાય પૂર્વવત નહીં થાય, તો આવનારા 8 થી 10 દિવસની અંદર મોરબીનો સમગ્ર સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ કરવો પડે તેવી ગંભીર નોબત આવી શકે છે. વર્તમાન ગેસ કટોકટીની અસર હવે ગ્રાઉન્ડ લેવલ પર દેખાવાની શરૂૂ થઈ ગઈ છે.

સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા મુજબ, હજુ સુધી કોઈ સત્તાવાર પાકા આંકડા નથી, પરંતુ મળતી પ્રાથમિક માહિતી મુજબ પ્રોપેન ગેસ ન મળવાના કારણે મોરબીમાં બે-પાંચ જેટલી સિરામિક ફેક્ટરીઓ બંધ (શટડાઉન) થઈ ગઈ હોવાના મેસેજ મળી રહ્યા છે. જો ગેસનો પ્રશ્ન જલ્દી હલ નહીં થાય તો શટડાઉન થતી ફેક્ટરીઓનો આંકડો ઝડપથી વધી શકે છે.

એક્સપોર્ટમાં પણ થશે મોટી અસર
ગેસની અછતની સાથે સાથે મોરબીના સિરામિક એક્સપોર્ટને પણ મોટો ફટકો પડ્યો છે. મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર, મોરબીમાંથી સિરામિક પ્રોડક્ટ્સનું ઘણું મોટું એક્સપોર્ટ જીસીસી ક્ધટ્રીઝ અને ગલ્ફ દેશોમાં થાય છે. હાલ ગલ્ફની ખાડીમાં જહાજો રોકાઈ જવાના કારણે મોરબીનું 20 થી 25 ટકા જેટલું એક્સપોર્ટ સીધું જ સ્થગિત થઈ ગયું છે. મોરબીનું વાર્ષિક સિરામિક એક્સપોર્ટ અંદાજે 16,000 થી 18,000 કરોડ રૂૂપિયાનું છે, જેમાંથી હાલની પરિસ્થિતિને જોતા અંદાજે 400 થી 500 કરોડ રૂૂપિયાના એક્સપોર્ટ પર સીધી અસર પડી છે અને તેને બ્રેક વાગી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *