ભારત મંડપમ ખાતે 17 જાન્યુઆરીથી મોરારિબાપુની રામકથાનું આયોજન

અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ મોરારી બાપુ દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે આયોજિત થનારી રામકથાનું આમંત્રણ ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી…

અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ મોરારી બાપુ દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે આયોજિત થનારી રામકથાનું આમંત્રણ ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી માનનીય નિતિન ગડકરીને આપ્યું હતું. આ અવસરે આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે રામકથા દ્વારા મોરારી બાપુનું આહ્વાન દેશ-વિદેશમાં ફેલાયેલા શ્રદ્ધાળુઓને પ્રેરણા આપશે અને એક દિવસ વિશ્વ શાંતિનું સ્વપ્ન સાકાર થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતના 14મા રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદજીએ આ આયોજન સમિતિના અધ્યક્ષ બનવાનું સહર્ષ સ્વીકાર્યું છે.

અહિંસા વિશ્વ ભારતી તથા વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, મોરારી બાપુની ઉદારતા અને સહૃદયતાના કારણે જ તેમણે વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદ્ઘાટન અવસરે દિલ્હી ખાતે વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે નવ દિવસીય રામકથા કરવાની સ્વયં જાહેરાત કરી હતી. આ કથાનું આયોજન અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા 17થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. દિલ્હીમાં પૂજ્ય બાપુની રામકથાને લઈને શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આચાર્ય લોકેશજીએ વધુમાં જણાવ્યું કે, અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર સહિત અનેક દેશોમાંથી પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખેથી રામકથા શ્રવણ કરવા માટે શ્રદ્ધાળુઓના આગમનની માહિતી મળી રહી છે. આ રામકથા સંપૂર્ણ નિ:શુલ્ક રહેશે અને આયોજન સમિતિ દ્વારા શ્રદ્ધાળુઓના નિવાસ, ભોજન વગેરેની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે અહિંસા વિશ્વ ભારતીના ખજાનચી તથા આરોગ્યપીઠના સ્થાપક આચાર્ય રામ ગોપાલ દીક્ષિત પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *