ધમાકેદાર આગમન બાદ બંગાળની ખાડીમાં ડીપ્રેશનથી ઉત્તર તરફ આગળ વધવાની જગ્યાએ બાંગ્લાદેશ તરફ ચોમાસું ખેંચાયું; યુ.પી., મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતમાં પણ મોડું થશે
કેરળમાં ચોમાસું વહેલુ આગમન થયા બાદ મહારાષ્ટ્ર સુધી ઝડપથી આગળ વધી ગયું હતું. પરંતુ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા ડિપ્રેશનને કારણે હવે ગુજરાતમાં ચોમાસુ 2 જૂનની જગ્યાએ 9 જૂને આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ ઉત્તરભારતના રાજ્યો અને મધ્યપ્રદેશમાં પણ ચોમાસુ હજુ બે અઠવાડિયા બાદ પ્રવેશ કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. છેલ્લા ચાર દિવસથી ચોમાસુ મહારાષ્ટ્રથી આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરવાની જગ્યાએ પૂર્વ ભારતના રાજ્યોમાં આગળ વધી ગયું છે. બંગાળની ખાડી બાજુનું ડિપ્રેશન નેઋત્યના પવનોને તે દિશામાં ખેંચી ગયું હોવાથી પૂર્વત્તર રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. જ્યારે પશ્ર્ચિમ બાજુ ગુજરાત મધ્યપ્રદેશ બાજુમાં હજુ ચોમાસુ એકથી બે અઠવાડિયા જેટલું મોડુ આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
24-25 મેના રોજ ચોમાસુ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ગયું હતું. પરંતુ ગઈકાલ સુધીમાં ચોમાસુ સંપૂર્ણપણે મહારાષ્ટ્રને પાર કરી શક્યું નથી. હાલમાં ચોમાસાની ધરી મુંબઈ આસપાસ કેન્દ્રીત છે. પરંતુ બંગાળની ખાડીને ડિપ્રેશનને લીધે ચાર દિવસથી ચોમાસુ આગળ વધ્યું નથી.
24 મેના રોજ ચોમાસાના પ્રવેશ પછી, તેણે 17 રાજ્યોમાં દસ્તક આપી છે. માત્ર છ દિવસમાં, દેશમાં અત્યાર સુધીમાં 33% વધુ વરસાદ પડ્યો છે. ગુરુવારે, તે ઉત્તરપૂર્વના બાકીના ભાગ અને પછી સિક્કિમને પાર કરીને પશ્ચિમ બંગાળના હિમાલયી પ્રદેશોમાં પહોંચ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે શુક્રવારે બિહાર અને પશ્ચિમ બંગાળના બાકીના ભાગોમાં પહોંચી શકે છે. જોકે, હવે તેની ગતિ ધીમી થવાની ધારણા છે.
બંગાળની ખાડીમાં બનેલું દબાણ ક્ષેત્ર સાગર ટાપુ થઈને બાંગ્લાદેશ તરફ આગળ વધશે.આ ડિપ્રેશન ચોમાસાને ઉત્તર ભારત તરફ ધકેલવાને બદલે વિરુદ્ધ દિશામાં ખેંચશે. આનાથી ચોમાસાની ગતિ ધીમી પડશે.
તેની અસર બે-ત્રણ દિવસમાં દેખાશે. એવો અંદાજ છે કે ચોમાસા પર એક અઠવાડિયાથી 10 દિવસનો વિરામ આવી શકે છે, જેના કારણે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વરસાદની રાહ જોવાઈ શકે છે. અરબી સમુદ્રમાં બનેલા નીચા દબાણવાળા વિસ્તારના નબળા પડવાને કારણે, ચોમાસાની ગતિ ઓછી થઈ છે. પરંતુ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની રહી છે, જે દરિયાકાંઠાના જિલ્લાઓને અસર કરી શકે છે.
ગુજરાતમાં 2 જૂનની જગ્યાએ 9 જૂને ચોમાસુ પ્રવેશે તેવી શક્યતા
અરબી સમુદ્રમાં 10 દિવસ પહેલા ઉદ્ભવેલા ડિપ્રેરશનથી કેરળમાં પ્રવેશ બાદ ઝડપથી પશ્ર્ચીમ કાંંઠાના રાજ્યોમા પ્રવેશ કરી ચૂક્યું હતુ. જેમાં દક્ષીણ મહારાષ્ટ્ર અને ગોવામાં ચોમાસુ તા.24મે ના રોજ બેસી ગયુ હતુ. પરંતુ હાલમાં ઉદભવેલા બંગાળની ખાડીના ડિપ્રેશનથી ચોમાસાની ગતિને બ્રેક લાગી ગઇ છે. ગુજરાતમાં અગાઉ 2 જૂન આજુબાજુ ચોમાસુ પ્રવેશ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. પરંતુ હવે એક અઠવાડિયુ મોડુ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત હાલમાં ભેજનું પ્રમાણ 50 ટકાથી વધી રહ્યું નથી. જેથી સાર્વત્રીક વરસાદની જગ્યાએ અમુક વિસ્તારમાં જ વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે.
