પેટ્રોલ પંપ એસો અને ગેસ વિક્રેતાઓ સાથે પુરવઠા અધિકારીએ બેઠક યોજી સ્ટોકની કરી સમિક્ષા
ઘરેલું ગેસમાં ચિંતા નથી, કોમર્સિયલ ગેસમાં નવો જથ્થો મળવાની હાલ શકયતા ઓછી
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર હવે સ્થાનિક સ્તરે જીવન જરૂૂરિયાતની વસ્તુઓ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ઉથલપાથલની શક્યતાઓને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય તે માટે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કલેક્ટરની સૂચના મુજબ કડક મોનિટરિંગ શરૂૂ કરવામાં આવ્યું છે.
સમગ્ર પરિસ્થિતિ અંગે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી એ. એસ. ઝાંપડાએ આજે પેટ્રોલ-ડીઝલ એસોસિએશન અને ગેસ એસોસિએશનના હોદ્દેદારો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લામાં ઉપલબ્ધ સ્ટોક અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂૂર નથી.
પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વિતરણ પર અમુક અંશે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે રાજકોટમાં જે વેપારીઓ કે એજન્સીઓ પાસે જેટલો જથ્થો ઉપલબ્ધ છે, તેનાથી જ ચલાવવું પડશે. હાલ પૂરતો નવો જથ્થો મળવાની શક્યતા ઓછી હોવાથી શહેરની અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સ બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, ઘરેલુ વપરાશના (કઙૠ) સિલિન્ડર અને ઇન્ડિયન ગેસનો જથ્થો પૂરતો છે.
કોઈ પણ વ્યક્તિ ઈંધણ કે ગેસનો ગેરકાયદે સંગ્રહ ન કરે તે માટે તંત્ર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે સંગ્રહખોરી રોકવા માટે વિશેષ તપાસ ટીમો બનાવવામાં આવી છે.રાજકોટ શહેર અને જિલ્લાના તમામ મામલતદારોને પોતપોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવા અને ગેસ-પેટ્રોલના સ્ટોક પર નજર રાખવા આદેશ અપાયા છે. પુરવઠા કચેરી દ્વારા રોજબરોજ કઈ એજન્સી પાસે કેટલો સ્ટોક છે તેનું ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.
એ. એસ. ઝાંપડાએ જણાવ્યું હતું કે જિલ્લા પુરવઠા અધિકારી, રાજકોટ “નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું. પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે. માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં હાલ મર્યાદિત પુરવઠો છે, જેનું અમે સતત નિરીક્ષણ કરી રહ્યા છીએ.
પીએનજીમાં કોઈ ચિંતાની સ્થિતિ નથી
રાજકોટમાં મોટી હોટલો અને સામાજિક સંસ્થાઓ માટે રાહતના સમાચાર એ છે કે શહેરમાં 2,000 થી વધુ એકમો પાસે ઙગૠ કનેક્શન છે. પુરવઠા અધિકારીએ ઉમેર્યું હતું કે, જે સંસ્થાઓ પાઇપલાઇન દ્વારા ગેસ મેળવે છે તેમને સિલિન્ડરની અછતની કોઈ અસર થશે નહીં. આથી, મોટાભાગની મોટી હોટલો અને સંસ્થાઓમાં વ્યવહારો રાબેતા મુજબ ચાલુ રહેશે.
