મોરબીના ટીંબડી ગામે એક પરિવારના 3 ઉપર ટોળાનો હુમલો, વૃધ્ધની હત્યા

મોરબી તાલુકાનાં ટીંબડી ગામના પાટીયા પાસે સાત શખ્સોની સશસ્ત્ર ટોળકીએ ફિલ્મી ઢબે આતંક મચાવી એક પરિવાર ઉપર હુમલો કરી 70 વર્ષના વૃધ્ધની હત્યા કરી નાખી…

મોરબી તાલુકાનાં ટીંબડી ગામના પાટીયા પાસે સાત શખ્સોની સશસ્ત્ર ટોળકીએ ફિલ્મી ઢબે આતંક મચાવી એક પરિવાર ઉપર હુમલો કરી 70 વર્ષના વૃધ્ધની હત્યા કરી નાખી હતી. જયારે વૃધ્ધના પુત્ર સહીત અન્ય બે યુવાનો ઉપર જીવલણ હુમલો કર્યો હતો. આ હુમલા પાછળનું કોઇ કારણ બહાર આવ્યું નથી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. આ લોહિયાળ ઘટના ટ્રકની ભાગીદારીના પૈસાની લેતીદેતી બાબતે બની હોવાનું પ્રાથમિક ફરીયાદમાં બહાર આવ્યું છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટિયા નજીક અચાનક બે કાર અને એક બાઇક પર સવાર થઈને આવેલા સાત શખ્સોએ આ હુમલાને અંજામ આપ્યો હતો. હુમલાખોરો પાસે છરી, ધારિયાં અને ધોકા જેવા ઘાતક હથિયારો સજ્જ હતા. આ અચાનક થયેલા આડેધડ હુમલામાં ત્રણ વ્યક્તિઓ લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.

આ જીવલેણ હુમલામાં 70 વર્ષીય ખોડાભાઈ મોરડીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. તેમને શરીર પર ઘાતક ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું કરૂૂણ મોત નીપજ્યું છે. જયારે આ લોહિયાળ હુમલામાં રવિભાઈ વિજવાડીયા અને જીગાભાઈ મોરડીયા નામના અન્ય બે યુવકો પણ ગંભીર ઇજાઓનો ભોગ બન્યા છે. ઇજાગ્રસ્ત થયેલા બે યુવકો પૈકી જીગાભાઈ મોરડીયાની તબિયત વધુ નાજુક જણાતા તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ અને ત્વરિત સારવાર અર્થે રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

આ બનાવમાં પાંચ સગા ભાઈ સહિત સાત શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. મોરબીના જુના ટીંબડી ગામે રહેતા જીગ્નેશભાઈ ખોડાભાઇ મુરતિયા (ઉ.વ.37) એ આરોપી ભાવેશભાઈ પરષોતમભાઈ બારૈયા, હીતેશભાઈ ઘનશ્યામભાઈ ઝંઝવાડીયા, સુરેશભાઈ, વિનોદભાઈ પરષોતમભાઈ બારૈયા, ભરતભાઈ પરષોતમભાઈ બારૈયા, દશરથભાઈ પરષોતમભાઈ બારૈયા અને હીરેન ઘનશ્યામભાઈ ઝંઝવાડીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ભાવેશભાઈ, હીતેશભાઈ, સુરેશભાઈ એ સ્વીફટ કારમાં આવી સાથી રશીભાઈની કારને રસ્તામાં આંતરી અટકાવી આરોપી ભાવેશભાઈએ નીચે ઉતરી ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારેલ આ દરમ્યાન આરોપી નંબર વિનોદભાઈ, ભરતભાઈ, દશરથભાઇ, અને હિરેનભાઈ નાઓ સ્કોર્પીયો કારમાં આવી ધારીયા જેવા ઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદીને સાથી સાથે આરોપી હિરેનભાઈ સાથે પૈસાની લેતી દેતી બાબતે સમાધાન કરી લેવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી સાથીની કાર ઉપર છુટા પથ્થરોનો ઘા કરી સાથી રવીભાઇને નાકના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચાડી તેમજ આરોપી ભરતભાઈ અને દશરથભાઈએ ફરીયાદીને ધારીયા જેવા હથીયાર થી ડાબા હાથમાં ગંભીર ઇજા પહોંચાડી તેમજ ફરીયાદીના પિતા ખોડાભાઈ જલાભાઈ ફરીયાદીને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ ધારીયાનો ઘા તેમના કપાળના ભાગે કરી ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *