શહેરની ભાગોળે કોઠારિયા રોડ પર આવેલા લોઠડા ગામે 10 દિવસથી ભાઇના ઘરે આવેલા મુળ ઉત્તરપ્રદેશના સગીરે પ્રેમિકા સાથે ચાલુ વીડિયો કોલમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. મૃતક કામ અર્થે રાજકોટ આવ્યો હતો. પરંતુ ઉમર નાની હોવાથી કોઇ તેને કામ પર રાખતુ ન હોય જેથી ગુમસુમ રહેતો હતો અને આઘાતમાં આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ લોઠડા ગામે ભાઇ સાથે રહેતો રાહુલ નનકુભાઇ આર્યા (ઉ.વ.17)નામના સગીરે આજે વહેલી સવારે પંખામાંં ગમછો બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેને સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક રાહુલ બે ભાઇ ચાર બહેનમાં વચેટ અને અપરિણીત હતો. તેનો મોટોભાઇ અજય લોઠડામાં કારખાનામાં કામ કરતો હોય. રાહુલ 10 દિવસ પહેલા મુંબઇથી કામ માટે લોઠડા આવ્યો હતો. પરંતુ તેની ઉમર 18 વર્ષથી નાની હોય જેથી તેને કોઇ કામ પર રાખતુ ન હોવાથી તે ગુમસુમ રહેતો હતો.
દરમિયાન ગત રાત્રે અથવા વહેલી સવારે તે તેના ગામમાં રહેતી પ્રેમિકા સાથે વીડિયો કોલમાં વાત કરતો હતો. ત્યારે જ બારીમાં ફોન રાખી ચાલુ વીડિયો કોલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધા હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
