ગોહિલવાડમાં મિનિ વાવાઝોડું : પાલિતાણામાં વૃક્ષ પડતા એકનું મોત

તોફાની પવનથી વૃક્ષો ધરાશાયી, છાપરા ઉડ્યા: 323 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લાના ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાંજના 6…

તોફાની પવનથી વૃક્ષો ધરાશાયી, છાપરા ઉડ્યા: 323 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લાના ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાંજના 6 વાગ્યા બાદ ધૂળની તોફાની ડમરીઓ અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. તોફાની પવનના કારણે અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા અને અનેક વાહનો રસ્તા પર ગબડી પડ્યા હોવાના કિસ્સા પણ નોંધાયા છે.

શહેરમાં ફૂંકાયેલા પ્રચંડ પવનને કારણે કેટલીક દુકાનોના છાપરા અને મકાનો પર ફિટ કરેલી સોલાર પેનલો હવામાં ફંગોળાઈને નીચે પડી હતી, જેનાથી મોટું આર્થિક નુકસાન થયું છે. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટતા હાઈવે પર વાહનોની ગતિ થંભી ગઈ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં વીજ લાઈનો પર વૃક્ષો પડવાથી વીજ પુરવઠો પણ કલાકો સુધી ખોરવાઈ ગયો હતો.

પવન બાદ શરૂૂ થયેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક જેવા કે ઘઉં, એરંડા અને ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ, ખરાબ હવામાનને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પણ ગઈકાલે સાંજે વાવાઝોડું ફૂંકાયું હતું. પાલીતાણા ના તળેટી રોડ વિસ્તાર માં મનશાંતિ ભવન પાસે આવેલ મોટી જાડી ડાળી પરપ્રાંતિય મજુર યોગી પ્રધાન ઉપર પડતા ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું. ભાવનગર શહેર અને જિલ્લામાં ફુંકાયેલા વાવાઝોડા ને કારણે શહેરના બાર સહિત જિલ્લાના 416 ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભાવનગર શહેરમાં અડધો ઇંચ અને જિલ્લા ના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડતા વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *