ખનીજચોરોની ખેર નથી, સરકાર ‘ફોજ’ ઉતારશે

સરકાર હવે ખનિજ માફિયાઓને પકડવા માટે એક્સ સર્વિસમેનની મદદ લેશે. રાજ્યના ખાણ અને ખનિજ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ખનિજ ચોરી અટકાવવા માટે સરકાર…

સરકાર હવે ખનિજ માફિયાઓને પકડવા માટે એક્સ સર્વિસમેનની મદદ લેશે. રાજ્યના ખાણ અને ખનિજ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ખનિજ ચોરી અટકાવવા માટે સરકાર દર વર્ષે નવો પ્રયોગ કરે છે પરંતુ માફિયાઓની ચતુરાઇ સામે સરકારની મશીનરી કામ લાગતી નથી. રાજ્યના ખનિજ સંપન્ન જિલ્લાઓમાં તપાસ અધિકારી તેમજ કર્મચારીઓના વાહનોનું ટ્રેકીંગ રાખતાં માફિયાઓની સિન્ડિકેટ એટલી મજબૂત છે કે સરકારને નવા-નવા ઉપાયો વિચારવા પડે છે.એવાજ એક ઉપાય અંતર્ગત ખનિજ ચોરી અટકાવવા માટે આ વખતે એક્સ સર્વિસમેનોની મદદ લેવાનું નક્કી કરાયું છે.. આ માટે વિભાગે 10 કરોડ રૂૂપિયા મંજૂર કર્યા છે.

આ વર્ષના અંત સુધીમાં એજન્સીની મદદથી એવા એક્સ સર્વિસમેનોની ભરતી કરશે કે જેઓ રાજ્યના ખૂણે ખૂણે પહોંચીને આવી પ્રવૃત્તિને નિયંત્રણમાં લેશે. આ સાથે ખાણ-ખનિજ વિસ્તારોમાં આંતરમાળખાકિય સુવિધા પુરી પાડવા પણ વિભાગે 15 કરોડ મંજૂર કર્યા છે.બિનસત્તાવાર આંકડા પ્રમાણે દરવર્ષે સરેરાશ અંદાજે 25 હજાર કરોડ કરતાં વધુની ખનિજ ચોરી સામે આવે છે. છેલ્લા બે વર્ષમાં વિભાગે નિશ્ચિત કરેલી ફ્લાઇંગ સ્ક્વોર્ડે 30400 કરોડની વસૂલાત કરી છે. જો કે ખનિજ ચોરી સામે સરકારના હાથ એટલા માટે હેઠાં પડે છે કે આ ધંધામાં રાજકીય નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ ખનિજ માફિયાઓ વચ્ચેનું નેક્સસ ચાલી રહ્યું છે. પોલીસમાં જેમ દારૂૂના ધંધામાં નેક્સસ જોવા મળે છે, તેવું જ ખનિજ ચોરીમાં છે. આમ છતાં વિભાગ તેના પ્રયાસો કરી રહ્યું છે.

ખનિજ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિના કારણે ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતા દ્વારા રાજ્ય સરકારની આવકને મોટો ફટકો પડ્યો છે. નાણાકીય વર્ષ 2023-24માં 2007.02 કરોડની મહેસૂલી આવક થઇ હતી તે 2024-25માં ઘટીને માત્ર 1032.11 કરોડ થઇ છે. જો કે ગૌણ ખનિજના બ્લોક્સની જાહેર હરાજીથી આગામી પાંચ થી 30 વર્ષ પેટે કુલ 3581.49 કરોડની રોયલ્ટી તેમજ 3834.79 કરોડની ઓક્શન પ્રિમિયમની આવક થવાની ધારણા છે. એવી જ રીતે મુખ્ય ખનિજના બ્લોકની હરાજીથી આગામી 50 વર્ષમાં રોયલ્ટી પેટે કુલ 10907.31 કરોડ અને 8827.57 કરોડ ઓક્શન પ્રિમિયમની આવક થઇ શકે છે.

રાજકીય અને અધિકારીઓની ઓથ હેઠળ ચાલતી ખનીજચોરીનું શું?
દર વર્ષે થતી કરોડો રૂપિયાની ખનીજ ચોરી ડામવા સરકાર નિવૃત સૈનિકોની ફોજ ઉતારવા તૈયારી કરી રહી છે. પરંતુ રાજકિય નેતાઓની ઓથ અને અધિકારીઓની મીઠી નજર હેઠળ હપ્તા પદ્ધતિથી ચાલતી ખનીજચોરી કાબુમાં આવશે કે કેમ? તે મોટો સવાલ છે. કેમ કે નિવૃત સૈનિકો માત્ર ખનીજ ચોરી પકડી શકે છે. પરંતુ તેની સામે કાયદાકીય કાર્યવાહી તો સરકારના જે-તે વિભાગના અધિકારીઓએ જ કરવાની રહેશે. આવી સ્થિતીમાં નિવૃત સૈનિકોની ફોજને અધિકારીઓનો સહકાર મળશે કે કેમ તે જોવાનું રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *