હૃદયરોગના હુમલાના કેસ પુરુષોમાં વધુ જોવા મળે છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયા પછી મહિલાઓમાં મૃત્યુ અને અન્ય ગંભીર ગૂંચવણોનું જોખમ લગભગ બમણું છે. અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (યુએન એમ આઈસીઆરસી)ના નિષ્ણાતો દ્વારા કરાયેલા તાજેતરના અભ્યાસમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. અભ્યાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહિલાઓમાં હૃદયરોગના હુમલાનાં લક્ષણો પુરુષો કરતાં અલગ અને અસ્પષ્ટ હોય છે, જેથી સમયસર સારવાર મળતી નથી અને પરિણામે મૃત્યુદર વધે છે.
અભ્યાસનું શીર્ષક છે ‘ધ જેન્ડર સ્પેક્ટ્રમ ઓફ ઇન-હોસ્પિટલ સર્વાઇવલ પોસ્ટ પ્રાઇમરી પરક્યુટેનિયસ કોરોનરી ઇન્ટરવેન્શન ફોર એસટી એલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન: એક્સપ્લોરિંગ એજ-ડ્રિવન ટ્રેન્ડ્સ’. આ અભ્યાસમાં આઇવા પટેલ, ડો. પૂજા વ્યાસ, કાર્તિક નટરાજન અને અન્ય સંશોધકોએ હૃદયરોગના હુમલા (એસટી ઇલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન – સ્ટેમી) બાદ પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી કરાવેલા 1,434 પુરુષ અને 314 મહિલા દર્દીઓના ડેટાનું વિશ્ર્લેષણ કર્યું હતું.
અભ્યાસ મુજબ, હોસ્પિટલમાં દાખલ થયા પછી મેજર એડવર્સ કાર્ડિયોવેસ્ક્યુલર ઇવેન્ટ્સ (એમએસીઈ) જેમાં સ્ટ્રોક, હૃદયની નિષ્ફળતા, ફરીથી હાર્ટ એટેક અથવા મૃત્યુનો સમાવેશ થાય છે પુરુષોમાં 6.6 ટકા જોવા મળ્યા હતા, જ્યારે મહિલાઓમાં આ દર 11.8 ટકા નોંધાયો હતો, જે લગભગ બમણો છે. અભ્યાસની સહ-લેખિકા ડો. પૂજા વ્યાસે જણાવ્યું હતું કે મહિલાઓમાં હૃદયરોગની અભિવ્યક્તિ અલગ હોય છે. મહિલાઓમાં લક્ષણો ઘણી વખત વિખરાયેલા હોય છે. છાતીમાં તીવ્ર દુખાવાની જગ્યાએ અત્યંત થાક, ઉબકા, જડબામાં કે પીઠમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. આ કારણે ઘણી વખત હાર્ટ એટેકની ઓળખ મોડી થાય છે, તેમણે કહ્યું.
યુએનએમઆઈસીઆરસીના ડિરેક્ટર ડો. ચિરાગ દોશીએ જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં કાર્ડિયાક દર્દીઓમાં મહિલાઓનું પ્રમાણ વધ્યું છે.
જીવનશૈલી અને કામની પરિસ્થિતિઓમાં પુરુષો અને મહિલાઓ વચ્ચેનું અંતર ઝડપથી ઘટી રહ્યું છે. મેનોપોઝ પછી મહિલાઓ હૃદયરોગ પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે, તેમણે કહ્યું. અભ્યાસમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મહિલા દર્દીઓની સરેરાશ ઉંમર પુરુષો કરતાં લગભગ છ વર્ષ વધુ હતી. 75 વર્ષથી ઉપરની મહિલાઓમાં પુરુષોની સરખામણીએ મૃત્યુનું જોખમ વધુ જોવા મળ્યું હતું. અભ્યાસનો મુખ્ય સંદેશ સ્પષ્ટ છે: પુરુષોમાં હાર્ટ એટેકના કેસ વધુ હોય, પરંતુ મહિલાઓમાં તે વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. જાગૃતિ, લક્ષણોની સાચી ઓળખ અને વિલંબ વગરની સારવાર જ આ જોખમને ઘટાડી શકે છે.
થાક-ઉબકા-જડબા કે પીઠનો દુ:ખાવો પણ હૃદયરોગનું લક્ષણ હોઇ શકે છે
નિષ્ણાતોનું કહેવું છે કે હાર્ટ એટેકની ક્લાસિક તસવીર છાતી પકડીને દુખાવો વ્યક્ત કરતી વ્યક્તિ હંમેશાં લાગુ પડતી નથી, ખાસ કરીને મહિલાઓમાં. તેથી અસામાન્ય થાક, ઉબકા, જડબા કે પીઠના દુખાવા જેવા લક્ષણોને અવગણવા ન જોઈએ. વહેલી હોસ્પિટલમાં દાખલ થવું અને તાત્કાલિક હસ્તક્ષેપ જીવન બચાવી શકે છે.
રાજ્યમાં હૃદયરોગની ઇમરજન્સીના દર 10માંથી 3 કેસ 40 વર્ષની નીચેની વયના
ગુજરાતમાં હૃદયરોગના હુમલા અને ઈમરજન્સી હવે માત્ર મોટી ઉંમરના લોકો પૂરતી મર્યાદિત નથી રહી પણ યુવાનોમાં તેનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. ઈએમઆરઆઈ 108 એમ્બ્યુલન્સ સેવાના વર્ષ 2026 ના તાજેતરના આંકડા મુજબ, રાજ્યભરમાંથી હૃદય સંબંધિત ઈમરજન્સી માટે 71,088 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આ કેસોના વિશ્ર્લેષણમાંથી એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે કે દર 10 માંથી 3 ઈમરજન્સી કોલ 40 વર્ષ કે તેથી ઓછી વય ધરાવતા યુવાનો માટેના હતા. હૃદયરોગનો હુમલો આવ્યા હોય તેવા 30 વર્ષથી ઓછી વયના દર્દીઓમાંથી 53 ટકા યુવાનો તમાકુનું કોઈને કોઈ સ્વરૂૂપે સેવન કરતા હતા. આ ઉપરાંત 51 ટકા યુવાનો દિવસમાં 30 મિનિટથી પણ ઓછી શારીરિક પ્રવૃત્તિ કે કસરત કરતા હતા.
