મોરબી જીલ્લામાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવાર સુધીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે ગુરુવારે સાંજ સુધી વરસાદી માહોલ બાદ મોડી રાત્રીથી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ શરુ થયો હતો અને જીલ્લાના પાંચ તાલુકા પૈકી ત્રણમાં અઢી-અઢી ઇંચ વરસાદ અને બે તાલુકામાં બેથી સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
મોરબી જીલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો માળિયા તાલુકામાં સૌથી વધુ 62 મીમી, મોરબી તાલુકામાં 60 મીમી, ટંકારા તાલુકામાં 51 મીમી, વાંકાનેર તાલુકામાં 61 મીમી અને હળવદ તાલુકામાં 57 મીમી વરસાદ વરસ્યો છે બેથી અઢી ઇંચ વરસાદથી મોરબી જીલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આખરે સારો વરસાદ શરુ થતા નાગરિકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
બ્રાહ્મણી-2 ડેમ ભરાયો
હળવદનો બ્રાહ્મણી 2 ડેમ ગુરુવારે જ ભરાઈ જતા ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો હતો અને શુક્રવારે સવારની સ્થિતિએ પણ ડેમનો એક દરવાજો ખુલ્લો જોવા મળી રહ્યો છે ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી ડેમનો એક દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે અને 421 કયુસેક ઇન્ફ્લો સામે 421 આઉટફલો જોવા મળી રહ્યુ છે.
તે ઉપરાંત મોરબીનો મચ્છુ 3 ડેમ રૂૂલ લેવલ મુજબ 80 ટકા ભરાઈ ગયો છે અને પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરરીયાત ઉભી થઇ છે જેથી સિંચાઈ યોજનાના નીચાણમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના 12 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જુના સાદુલકા, રવાપર (નદી, ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાલા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.) હરીપર અને ફતેપર એમ કુલ 21 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે.
મચ્છુ-3 ડેમ 80% ભરાયો, એલર્ટ જાહેર
મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામ નજીક આવેલા મચ્છુ-3 સિંચાઈ યોજનામાં રૂૂલ લેવલ મુજબ પાણીનો સંગ્રહ 80 ટકા સુધી પહોંચી ગયો છે. ડેમની જળસપાટી 26.04 મીટરે પહોંચતા અને કુલ જળજથ્થો 4.340 ખઈખ નોંધાતા સિંચાઈ વિભાગ દ્વારા રાત્રે 10:00 વાગ્યે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ સંબંધિત અધિકારીઓને સત્તાવાર એલર્ટ મોકલવામાં આવ્યો હતો.
ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી જરૂૂરિયાત મુજબ વધારાનું પાણી નદીના વહેણમાં છોડવામાં આવી શકે છે. તેને ધ્યાનમાં રાખીને નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
તંત્ર દ્વારા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા (મી.) તાલુકાના કેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મી.), હરીપર અને ફતેપર ગામોના લોકોને વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. તંત્રે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, ઢોર-ઢાંખર અને માલ-મિલકતને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
