દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 173 તાલુકામાં 16 ઇંચ સુધી વરસાદ પડયા બાદ આજે સવારથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને સવારે 6 થી બપોરે બે વાગ્યા સુધીમાં 104 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી 8.23 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ખધાસ કરીને વલસાડ- સુરત- વાપી અને નવસારીમાં આજે સવારથી ભારેથી અતિભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.
આજે બપોરે બે વાગ્યા સુધીના 8 કલાકમાં વલસાડમાં 8.23, ઉમરગાંવમાં 6.61, પાટડીમાં 6.54 ઇંચ, પલસાણામાં 5.79, ગણદેવીમાં પાંચ, ચિખલી-મહુવામાં 4.8, ખેરગ્રામ-વાલોદ-વ્યારા- અંબિકા અને લિલાપોરમાં 4 થી 4.50 ઇંચ વરસાદ નોંધાયો છે. અતિભારે વરસાદથી અનેક રસ્તા અને ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે તો સુરતમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે.
વલસાડ જિલ્લાના નાના પોંઢાના અંભેટી પાસે કોપરેલી-વાપી માર્ગ પર ફસાયેલી ખાનગી બસમાંથી 16 મુસાફરોને બચાવાયા. સ્થાનિક પોલીસ, ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી તમામ 16 મુસાફરોને સલામત બહાર કઢાયા હતા. સુરક્ષાના કારણોસર માર્ગની બંને બાજુ બેરિકેડિંગ કરી રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો.
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી સાત દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સૌની વચ્ચે હવામાન વિભાગની નાઉકાસ્ટ હેઠળ પણ વલસાડ સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સવારની વાત કરીએ તો માત્ર 4 કલાકના ગાળામાં 78 તાલુકામાં મેઘમહેર નોંધાઈ હતી જેમાં સૌથી વધુ વલસાડમાં 3.82 અને સુરતના પલસાણા તાલુકામાં 3.70 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
વલસાડ અને સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કોઈપણ અગમચેતી ઘટનાથી બચી શકાય તેમજ લોકોને તાત્કાલિક મદદ અને રાહત પહોંચાડી શકાય તે હેતુસર પહેલાથી જ એનડીઆરએફની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ભયજનક સ્તરે પાણી ભરાયાના અહેવાલ આવતા એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને વલસાડ, દીવ-દમણ અને દાદરા નગર હવેલી ખાતે રેડ એલર્ટનો જ માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે બંને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રએ પ્રવાસીઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી જાહેર કરી દીધી છે.
સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આગામી ત્રણ કલાક એટલે કે દસ વાગ્યાથી એક વાગ્યા માટે અતિ ભારે વરસાદની આગાહી કરતું રેડ એલર્ટ નાઉ કાસ્ટ હેઠળ હવામાન વિભાગે જાહેર કર્યું છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ ભરુચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ તથા બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મધુબન ડેમમાંથી પાણી છોડાતા કાંઠાળ ગામો એલર્ટ, ઓરંગા નદી રૌદ્ર સ્વરૂપમાં
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદના કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં સ્થિતિ વધુ ગંભીર બની છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 99 હજાર ક્યૂસેક પાણી છોડાતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ વલસાડમાં ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂૂપ જોવા મળી રહ્યું છે, જ્યારે નવસારી જિલ્લાના બીલીમોરા, ગણદેવી અને આસપાસના વિસ્તારોમાં નદીઓ ભયજનક સપાટીએ પહોંચતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સતત વધી રહી છે. ડેમમાં હાલ આશરે 1 લાખ 21 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાતા ડેમના દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જેના પગલે દમણગંગા નદીમાં 99 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દમણગંગા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. વલસાડમાં ઔરંગા નદીની જળસપાટી સતત વધી રહી છે. નદીનું પાણી કાશ્મીરનગર વિસ્તારમાં ફરી વળતાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થિતિ ગંભીર બનતાં 200થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
