માધાપર અને સાધુ વાસવાણી રોડ પર ટીપીના રોડ અને સાર્વજનિક પ્લોટ ખુલ્લા કરાવાયા
મહાનગરપાલિકાએ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાના છ માસ બાદ ફરી વખત રિઝર્વેશન પ્લોટ અને ટીપીમાં થયેલા ગેરકાયદેસર બાંધકામના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત આજરોજ સેન્ટ્રલઝોનમાં વોર્ડ નં. 3 માં માધાપર અને સાધુ વાસવાણી કુંજ રોડ પર ટીપી રોડ અને સાર્વજનિક પ્લોટ પર થયેલા 12 મકાન, દિવાલ તેમજ એક ધાર્મિક સ્થળ સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવી રોડ રસ્તા અને પ્લોટની જગ્યા ખુલ્લી કરાવી હતી.
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ સેન્ટ્રલઝોનમાં વોર્ડ નં. 3 ટીપી સ્કીમ નં. 38/1 માધાપરમાં માધાપર તાલુકા સ્કૂલ વાળા 15 મીટરના ટીપી રોડ ઉપર થયેલા ચાર રહેણાકના મકાનો કમ્પાઉન્ડ વોલ સહિતના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવેલ. તેમજ ધ સ્પેશ એપાર્ટમેન્ટની પાછળ આવેલ 18 મીટરના ટીપી રોડ ઉપર થયેલા 8 રહેણાકના કાચા-પાકા મકાનો અને કમ્પાઉન્ડ વોલ સહિતના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં. વોર્ડ નં. 3 ટીપી સ્કીમ નં. 19 સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ અનામત પ્લોટ નં. 16/એ રહેણાક વેચાણના પ્લોટ ઉપર બાપા સિતારામ મંદિરના ધાર્મિક દબાણને દૂર કરવામાં આવ્યું હતું અને રૂા. 30 હજારની 150 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના આદેશ અનુસાર નાયબ કમિશનર એઝાઝ પટેલ તથા સીટી ઈજનેર એએ રાવલના માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા વોર્ડ નં. 3 માં ટીપી સ્કીમ અમલીકરણ અનવયે અનઅધિકૃત બાંધકામો દૂર કરવા ડિમોલેશનની કામગીરી હાથ ધરી 12 મકાન, દિવાલ તેમજ ધાર્મિખ સ્થળો સહિતના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલ્ડોઝર ફેરવી દેવાયું હતું. આ કામગીરીમાં સેન્ટ્રલઝોન ટાઉન પ્લાનીંગ શાખાનો તમામ સ્ટાફ તથા બાંધકામ શાખા તથા જગ્યારોકાણ શાખા તથા રોષની શાખા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વીજીલન્સના સ્ટાફ સહિતનાઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ધાર્મિક દબાણ દૂર કરાતા બબાલ
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા શહેરના ટીપી રોડ ઉપર થયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. થોડા સમય પહેલા ત્રણેય ઝોનમાં આવેલા અનેક ધાર્મિક દબાણો દૂર કરવા માટેની નોટીસ આપવામાં આવેલ ત્યાર બાદ ધીમીગતિએ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ વોર્ડ નં. 3 ટીપી સ્કીમ નં. 19 સાધુવાસવાણી કુંજ રોડ ઉપર આવેલ અનામત પ્લોટ નં. 16 જે રહેણાક વેચાણના હેતુ માટે રાખવામાં આવેલ તેના પર આજુબાજુના સ્થાનિકો દ્વારા બાપાસીતારામ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ જે અંગે અગાઉ નોટીસ અપાયા બાદ આજે ધાર્મિક દબાણ દૂર કરાતા સ્થાનિકો દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.