પાંચ દારૂના ગુના, જાહેરનામા ભંગના ત્રણ અને સાત વાહનો ડિટેઈન કર્યા, 8 સામે કાર્યવાહી
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત કરવાના હેતુથી ગોંડલ શહેરમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પ્રોહિબિશન અને જાહેરનામા ભંગના ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને જિલ્લા SP વિજયસિંહ ગુર્જરની સૂચના તથા DYSP કે.જી. ઝાલાના નેજા હેઠળ આ ઓપરેશનનું આયોજન કરાયું હતું. ગોંડલ સીટી ’એ’ અને ’બી’ ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ગોંડલ સીટી ’એ’ ડિવિઝન PI એલ.આર. ગોહિલ અને ’બી’ ડિવિઝન PI જે.પી. રાવ સહિતના પોલીસ કાફલાએ શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં તપાસ કરી હતી. જેમાં મુખ્યત્વે શહેરના આવાસ ક્વાર્ટર અને સિવિલ હોસ્પિટલ સામેના નદી પટ્ટ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કોમ્બિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ શખ્સો અને પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. આ કાર્યવાહીમાં પ્રોહિબિશનના 5 કેસ, જાહેરનામા ભંગના (GPA 135) 3 કેસ નોંધવામાં આવ્યા હતા. ઉપરાંત, 7 વાહનો ડિટેઈન કરી કુલ રૂૂ. 2900/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવાના સંકેતો આપવામાં આવ્યા છે.
