સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી ગણાતી અને લાખો દર્દીઓ માટે સંજીવની સમાન રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં વહીવટી સુધારા અને વ્યવસ્થા જાળવણી માટે મક્કમ પગલાં ભરવાના એંધાણ મળી રહ્યા છે. હોસ્પિટલના 23મા તબીબી અધિક્ષક (મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ) તરીકે તાજેતરમાં જ ચાર્જ સંભાળનાર ડો. કમલ ડોડીયાએ આજે હોસ્પિટલમાં અચાનક ’સિંઘમ’ સ્ટાઈલથી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ચાર્જ સંભાળ્યાની સાથે જ એક્શન મોડમાં આવેલા નવનિયુક્ત તબીબી અધિક્ષક ડો. કમલ ડોડીયાએ કોઈ આગોતરી જાણ કર્યા વિના જ સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગો, વોર્ડ તેમજ પરિસરમાં ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. ચેકિંગ દરમિયાન તેમણે હોસ્પિટલ પરિસરમાં વગર કારણે પડ્યા-પાથર્યા રહેતા, શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા તથા દર્દીઓ અને તેમના સગાંઓને બિનજરૂૂરી હેરાન કરતા કે ગેરમાર્ગે દોરતા અસામાજિક અને બિનઅધિકૃત તત્વો સામે કડક વલણ અપનાવ્યું હતું. ડો. ડોડીયાએ સિક્યોરિટી સ્ટાફને સાથે રાખીને આવા તમામ અનિચ્છનીય તત્વોને હોસ્પિટલ પરિસરમાંથી તાત્કાલિક અસરથી હાંકી કાઢ્યા હતા.
સૌરાષ્ટ્ર અને કચ્છના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે વિના મૂલ્ય સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ એ આશીર્વાદરૂૂપ સમાન છે. સિવિલ હોસ્પિટલમાં જુનીયર તબીબ ઉપર હુમલાની ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા ડો.મોનાલી માંકડિયાને હટાવી ડો.કમલ ડોડીયાને ચાર્જ આપ્યો હતો. 23માં તબીબી અધિક્ષક તરીકે ચાર્જ સંભાળનાર ડો.કમલ ડોડીયાએ આજે સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની યોગ્ય સારવાર થાય છે કે કેમ તેમજ દર્દીઓને વિશેષ સુવિધા મળે છે કે નહી ? તેમજ સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતો જાણવા માટે તબીબી અધિક્ષક ડો.કમલ ડોડીયાએ અચાનક પીડીયું હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા સ્ટાફમાં ભાગંભાગ થઇ ગઈ હતી.
સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડિંગ,ટ્રોમા સેન્ટર, ઈમરજન્સી સહિતના વોર્ડ સહિતના તમામ વિભાગોમાં ગાયનેક વિભાગમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. તબીબી અધિક્ષકના સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગમાં રેસીડન્ટ તબીબો અને નર્સિંગ સ્ટાફ તેમજ પટ્ટાવાળા સહિતના વર્ગ-4 ના કેટલાક કર્મચારીઓને કડક સુચના આપી શિસ્તમાં રહી નિયમનું પાલન કરવા સુચના આપી હતી.ચીકીંગ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા કેટલાક તત્વો નજરે પડ્યા હતા તેમજ સિવિલમાં જાહેરમાં કપડા સૂકવવામાં આવ્યા હોવાની બાબત ધ્યાને આવતા પડ્યા પાથર્યા રહેતા તત્વોને તાત્કાલિક ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
સિવિલમાં સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ સાથે શ્રેષ્ઠ સારવાર મળે તે જ પ્રાથમિકતા: ડો.કમલ ડોડિયા
આ સરપ્રાઈઝ ચેકિંગ ડો. કમલ ડોડીયાએ જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર-કચ્છમાંથી અહી દરરોજ હજારો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર અર્થે આવે છે. હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ અને તેમના પરિજનોને સુરક્ષિત, સ્વચ્છ અને ભયમુક્ત વાતાવરણ મળે અને શ્રેષ્ઠ સારવાર મળે તે જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. પરિસરમાં પડ્યા રહેતા બિનઅધિકૃત તત્વોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આવનારા દિવસોમાં પણ આવા કડક નિરીક્ષણો સતત ચાલુ રહેશે.” તેમણે હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓ અને એજન્સીઓને પણ સ્પષ્ટ સૂચના આપી હતી કે હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વારો, વોર્ડની બહાર તથા પરિસરમાં સતત પેટ્રોલિંગ રાખવામાં આવે અને કોઈ પણ અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિઓને પરિસરમાં વગર કારણે બેસી રહેવા દેવામાં ન આવે.
