મૌલાના રિઝવી સમજી લે, ધર્મ કરતા દેશ ઉપર છે

ભારતમાં કેટલાક મુસ્લિમ મુલ્લા-મૌલવીઓને એક વાત સમજાતી નથી કે, દેશ બદલાઈ ગયો છે, દુનિયા બદલાઈ ગઈ છે. એ લોકો પોતે હજુ સાતમી સદીમાં જીવે છે…

ભારતમાં કેટલાક મુસ્લિમ મુલ્લા-મૌલવીઓને એક વાત સમજાતી નથી કે, દેશ બદલાઈ ગયો છે, દુનિયા બદલાઈ ગઈ છે. એ લોકો પોતે હજુ સાતમી સદીમાં જીવે છે ને પોતાની જેમ બીજાં લોકો પણ સાતમી સદીમાં જીવે એવી અપેક્ષા રાખે છે. ઉત્તર પ્રદેશના બરેલીના મૌલાના શહાબુદ્દીન રિઝવીએ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી તરફ નારાજગી વ્યક્ત કરીને પીરસેલું જ્ઞાન તેનો તાજો નમૂનો છે.

ભારત હમણાં દુબઈમાં મિનિ વર્લ્ડ કપ મનાતા ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહ્યું છે ને મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે અત્યંત મહત્ત્વની સેમી ફાઈનલ હતી. આ મેચ દરમિયાન મોહમ્મદ શમી મેદાન પર એનર્જી ડ્રિંક પીતો હતો એ લોકોએ લાઈવ ટેલીકાસ્ટમાં જોયું ને કોઈને કશું ખોટું ના લાગ્યું પણ ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રિઝવીને વાંધો પડી ગયો. મૌલાના રિઝવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો જાહેર મૂકીને જાહેર કર્યું કે, શમી રમઝાન દરમિયાન રોજો નહીં રાખીને પાપ કરી રહ્યા છે. શરિયાના નિયમનું પાલન કરવાની જવાબદારી દરેક વ્યક્તિની છે. ઇસ્લામમાં રોજો ફરજિયાત છે અને કોઈ વ્યક્તિ જાણીજોઈને રોઝા ન રાખે તો તેને ઇસ્લામિક કાયદા મુજબ પાપી ગણવામાં આવે છે. ક્રિકેટ રમવું ખરાબ નથી, પરંતુ ધાર્મિક જવાબદારીઓ પણ પૂરી કરવી જોઈએ. હું શમીને શરિયાના નિયમોનું પાલન કરવાની અને પોતાના ધર્મ પ્રત્યે જવાબદાર બનવાની સલાહ આપું છું.

મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ વધારાનું જ્ઞાન આપ્યું છે કે, દરેક મુસલમાનની ફરજિયાત ફરજોમાંની એક ફરજ ’રોજો’ એટલે કે રમજાન મહિના દરમિયાન ઉપવાસ રાખવા છે. કોઈ સ્વસ્થ પુરુષ કે સ્ત્રી ’રોજો’ ન રાખે, તો તે અલ્લાહનો મોટો ગુનેગાર બનશે. ભારતના પ્રખ્યાત ક્રિકેટ વ્યક્તિત્વ મોહમ્મદ શમીએ મેચ દરમિયાન પાણી કે અન્ય કોઈ પીણું પીધું હતું. લોકો તેને જોઈ રહ્યા હતા. શમી ક્રિકેટ રમી રહ્યો હતો તેનો અર્થ એ કે તે સ્વસ્થ છે. આવી સ્થિતિમાં તેણે ’રોજો’ રાખ્યો ન હતો અને પાણી પણ પીધું હતું. આનાથી લોકોને ખોટો સંદેશ મળે છે. ’રોજો’ ન રાખીને શમીએ ગુનો કર્યો છે. શરિયતની નજરમાં તે ગુનેગાર છે. તેણે ખુદાને જવાબ આપવો પડશે. શમીએ ખુદાને જવાબ આપવો પડશે કે નહીં એ તો ખબર નથી પણ લોકો અત્યારે તો મૌલાનાને જ જવાબ આપી રહ્યા છે. બીજા એક મૌલાના ફિરંગીમહેલે શમીની તરફેણ કરીને સાબિત કર્યું કે, બધા મૌલવીઓની માનસિકતા સંકુચિત નથી પણ સૌથી ચોટદાર જવાબ મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ ઝૈદે આપ્યો છે. ઝૈદે કહ્યું કે, મને આવા નિવેદનો પર હસવું આવે છે. આ લોકો માત્ર ટીઆરપી માટે નિવેદનો આપે છે. મૌલાના સાહેબે પુસ્તકો વાંચવા જોઈએ કેમ કે ઈસ્લામમાં પણ રોજો નહીં રાખવાની છૂટ છે. કોઈ કોઈના હાથ નીચે હોય, આપણી ટીમ ક્યાંક બહાર જઈ રહી હોય તો તેને રોજામાં છૂટ આપવામાં આવી છે. આ સંજોગોમાં ઇમામ સાહેબના આ શબ્દોનો કોઈ અર્થ નથી.

મોહમ્મદ ઝૈદે તો 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ઘટનાને પણ યાદ કરીને કહ્યું છે કે, આખી પાકિસ્તાન ટીમ સાથે બેસીને કોફી પી રહી હતી ત્યારે કોઈ મૌલવીએ તેમને જ્ઞાન નહોતું આપ્યું કે પાકિસ્તાની ટીમને ટ્રોલ નહોતી કરી પણ મોહમ્મદ શમીને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *