ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા માનવસેવાનું વધુ એક ભવ્ય સોપાન સર કરવા જઈ રહ્યું છે. રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન આજે શનિવારે જાહેર કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને પદ્મશ્રી ડો. રાજેન્દ્ર બડવેની પ્રેરક ઉપસ્થિતિમાં હોસ્પિટલના લે-આઉટ અને સુવિધાઓનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. એક જ છત નીચે તમામ સારવાર: 43 એકરમાં ફેલાયેલું સંકુલ
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમરેલી ગામ પાસે ટ્રસ્ટ દ્વારા કુલ 43 એકર જમીન સંપાદિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના પ્રથમ ફેઝમાં:220 બેડની અત્યાધુનિક વ્યવસ્થા.આગામી 3 વર્ષમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય. કેન્સરના નિદાનથી લઈ ઓપરેશન અને કિમોથેરાપી સુધીની તમામ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
ટાટા મેમોરિયલ અને AIIMS જેવી એક્સપર્ટ ટીમનો સહયોગ આ હોસ્પિટલ માત્ર સારવાર કેન્દ્ર જ નહીં, પરંતુ એક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ તરીકે પણ ઉભરી આવશે. ટેકનિકલ સપોર્ટ: ટાટા મેમોરિયલ હોસ્પિટલના પૂર્વ ડાયરેક્ટર પદ્મશ્રી ડો. રાજેન્દ્ર અચ્યુત બડવેનું સતત માર્ગદર્શન મળી રહેશે. નિષ્ણાંત એન્જિનિયર્સ: દેશની પ્રતિષ્ઠિત એઈમ્સ (AIIMS) હોસ્પિટલના નિર્માણ સાથે જોડાયેલા એન્જિનિયરો આ પ્રોજેક્ટની ડિઝાઈન અને બાંધકામ સંભાળશે.
