અમેરિકાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ: ઈમર્જન્સી એલર્ટ બાદ તપાસ શરૂ

    અમેરિકાના ટેક્સાસના પોર્ટ આર્થરમાં આવેલી મોટી તેલ રિફાઇનરીમાં વિસ્ફોટથી ખળભળાટ મચ્યો છે. સોમવારે મોડી રાત્રે રિફાઇનરીના ઔદ્યોગિક હીટરમાં એક મોટો વિસ્ફોટ થયો હતો…

 

 

અમેરિકાના ટેક્સાસના પોર્ટ આર્થરમાં આવેલી મોટી તેલ રિફાઇનરીમાં વિસ્ફોટથી ખળભળાટ મચ્યો છે. સોમવારે મોડી રાત્રે રિફાઇનરીના ઔદ્યોગિક હીટરમાં એક મોટો વિસ્ફોટ થયો હતો જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના રહેણાંક વિસ્તારોમાં આવેલા ઘરો ધ્રુજી ઉઠ્યા હતા અને માઇલો દૂર સુધી આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

અધિકારીઓએ અહેવાલ આપ્યો કે સ્થાનિક સમય મુજબ સાંજે 6:30 વાગ્યાની આસપાસ એક જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો. વિસ્ફોટ પછી સાવચેતીના પગલા તરીકે સ્થાનિક વહીવટીતંત્રે રહેવાસીઓને ઘરની અંદર જ રહેવાની સૂચના આપી છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન દ્વારા વાહનચાલકોને રિફાઇનરી નજીકના SH 87 અને SH 82 માર્ગો ટાળવાની સલાહ આપવામાં આવી છે અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. પોર્ટ આર્થર ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું છે કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી રહી છે અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી કરી રહી છે. સત્તાવાર માહિતી મુજબ હાલ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ અથવા ઈજાના અહેવાલ મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે પોર્ટ આર્થર ખાતે આવેલી વાલેરો રિફાઇનરી યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી મોટી રિફાઇનરીઓમાંની એક છે. આ સુવિધા દરરોજ આશરે 395000 બેરલ ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ કરે છે અને ગેસોલિન, ડીઝલ તેમજ જેટ ઇંધણનું ઉત્પાદન કરે છે. તે ગલ્ફ કોસ્ટ રિફાઇનિંગ કોરિડોરમાં આવેલી હોવાથી અમેરિકાની લગભગ અડધી રિફાઇનિંગ ક્ષમતામાં તેનો મહત્વપૂર્ણ ફાળો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *