POKમાં હત્યાકાંડ, પાકિસ્તાનને ઉઘાડા પાડવાની ભારતને તક

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ફરી ભડકો થયો છે અને પ્રજાએ પાકિસ્તાન આર્મી સામે સીધો જંગ છેડી દીધો છે. પીઓકેની પ્રજાના આક્રોશને દબાવવા માટે પાકિસ્તાને…

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ફરી ભડકો થયો છે અને પ્રજાએ પાકિસ્તાન આર્મી સામે સીધો જંગ છેડી દીધો છે. પીઓકેની પ્રજાના આક્રોશને દબાવવા માટે પાકિસ્તાને દર વખતની જેમ દમન અને અત્યાચાર શરૂૂ કર્યા છે. પીઓકેના રાવલકોટમાં શાહઝેબ હબીબની દફનવિધિ હતી તેથી મોટી સંખ્યામાં લોકો એકઠાં થયેલાં. દફનવિધી પતાવીને લોકો શાહઝેબ હબીબ માટે પ્રાર્થના કરી રહ્યાં હતાં ત્યાં અચાનક પાકિસ્તાની સૈનિકો કબ્રસ્તાનમાં ઘૂસી ગયા ને લોકો કંઈ સમજે એ પહેલાં તો બેફામ ગોળીબાર શરૂૂ કરી દીધો. શોકસભામાં ભાગદોડ મચી ગઈ ને લોકો જયાંથી ભાગવા મળે ત્યાંથી ભાગ્યાં છતાં 27 લોકો ગોળીનો ભોગ બનીને ઉપર પહોંચી ગયાં ને 200 કરતાં વધારે લોકો ઘાયલ થઈ ગયાં. વાસ્તવમાં આ સ્થિતિ લાંબા સમયથી છે. પાકિસ્તાન પીઓકેને લશ્કરના જોરે પોતાની એડી હેઠળ રાખીને બેઠું છે.

પાકિસ્તાનને પીઓકેને કબજા હેઠળ રાખવામાં રસ છે, પીઓકેનાં લોકોનું ભલું કરવામાં રસ નથી તેથી કોઈ વિકાસ કર્યો નથી. આ કારણે વરસોથી પીઓકેમાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક છે અને સમયાંતરે જનાક્રોશ ફાટી નિકળે છે. કમનસીબે પીઓકેમાં આટલો મોટો હત્યાકાંડ થઈ ગયો તેની સામે ભારતમાં કોઈ રીએક્શન જ નથી. પીઓકે ભારતનો જ ભાગ છે એ જોતાં પીઓકેમાં રહેનારા ભારતીયો જ કહેવાય. પાકિસ્તાન આર્મી ભારતીયોને ગોળીએ મારે ને હત્યાકાંડો કરે તેની સામે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર હોહા કરી નાંખવી જોઈએ પણ એવું કશું થતું નથી. ભારત સરકારે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ને પીઓકેમાં ચૂંટણી યોજવા સામે વિરોધ કર્યો છે પણ પાકિસ્તાન પર તેની કોઈ અસર થઈ નથી. પાકિસ્તાન પોતાની ગતિમાં મસ્ત છે ને ગોળીઓથી લાશો ઢાળીને લોકશાહીનું નાટક કરી રહ્યું છે ત્યારે ભારતે વધારે ઉગ્ર વિરોધ કરવો જોઈએ.

પીઓકેમાં જનાક્રોશનો લાભ લેવા માટેની ભારતની રણનીતિ શું છે એ જાહેર ના કરી શકાય પણ રાજદ્વારી સ્તરે તો તમામ મંચ પર આ મુદ્દાને ઉગ્રતાથી ઉઠાવી જ શકાય. પાકિસ્તાન હત્યારું છે એવું લેબલ લગાવવા માટે પૂરી તાકાત લગાવી જ શકાય. પાકિસ્તાનનું આર્મી પોતાનું વર્ચસ્વ જાળવવા મુસ્લિમોની જ હત્યા કરી રહ્યું છે એ મુદ્દાને પણ આખી દુનિયા સામે અસરકારકતાથી મૂકવો જોઈએ. પીઓકેમાં લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી ખફા છે પણ ભારત તેનો લાભ લઈને પૂર્વ બંગાળમાં પેદા કરાયેલું એવું આંદોલન ઊભું કરી શકતું નથી. ભારત એ દિશામાં પ્રયત્ન કરતું જ હશે પણ તેનાં ધાર્યાં પરિણામો નથી મળી રહ્યાં એ જોતાં ભારતે અસરકારક વ્યૂહરચના બનાવવી પડે. પીઓકેની પ્રજા ભારત સાથે જોડાઈ જશે એવી વાતો કરવાથી નહીં ચાલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *