રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ખેતરોમાંથી પસાર થતા વીજ પોલ અને વીજ રેખા અંગેના સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. ’કિશાન સેવા સમિતિ’ દ્વારા આજના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે ચિટનીશ ટુ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને નવી માંગણીઓ રજૂ કરવામાં આવી છે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા 4 જુલાઈ 2026 ના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ અન્વયે ગત 24 જુલાઈ 2026 ના રોજ મામલતદાર દ્વારા નિયુક્ત બે અધિકારીઓએ ભંડારીયા ગ્રામ પંચાયત ખાતે અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ પાઠવી હતી. આ નોટિસ મળ્યા બાદ, ખેડૂતોએ 30 જુલાઈ 2026 ના રોજ એક સામૂહિક સભા બોલાવી હતી, જેમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ખેડૂતોએ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10(ઘ) હેઠળ વીજ પોલ અને વીજ રેખા પસાર થવાથી ખેડૂતોને જે વ્યાપક નુકશાન થાય છે, તેની વાસ્તવિક ભરપાઈ થતી હોવાનું જણાતું નથી. પૂરતું વળતર ન મળવાના કારણે અસંતોષ વ્યક્ત કરતા ખેડૂતોએ આ ઠરાવનો સામૂહિક રીતે બહિષ્કાર કર્યો છે. ખેડૂતોના વાંધા અને માંગણીઓ સાંભળી યોગ્ય વિચારણા કરવામાં આવે અને ખેડૂતોને સંતોષકારક વળતર મળે તેવો નવો પરિપત્ર જાહેર કરવામાં આવે.
જ્યાં પણ શક્ય હોય ત્યાં વીજ પોલ અને વીજ લાઈનના રૂૂટ સરકારી ખરાબાની જમીન, બિન-ઉપજાવ જમીન અથવા ખેતરોના શેઢા-પાળા પરથી પસાર કરવામાં આવે જેથી ખેતીલાયક જમીનને ઓછું નુકસાન થાય. ખેડૂતોની માંગ છે કે સરકારે 200 ટકા વળતર આપવાની મોટી વાતો કરી હતી, પરંતુ વાસ્તવમાં ફક્ત 3% ખેડૂતોને જ 200% વળતર મળે છે, જ્યારે 97% ખેડૂતોને માત્ર 30% વળતરથી જ સંતોષ માનવો પડે છે. ખેડૂતોની માંગ માર્કેટ ભાવના ચાર ગણા વળતરની છે, જે અંગેની નીતિમાં મોટા છીંડા રાખવામાં આવ્યા છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો ખેડૂતોની જિંદગી માટે મોટું જોખમ બની ગઈ છે. શોર્ટ સર્કિટ કે થાંભલા પડવાની દુર્ઘટનાઓ સામે નીતિઓમાં કોઈ સુરક્ષા કે સમાવેશ કરવામાં આવ્યો નથી.
