ગોંડલની જૂની કોર્ટ પરિસરમાં પતિ સાથેના વિવાદમાં સમાધાન ન થતાં એક પરણિતાએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન બની હતી.
નાની મેંગણીના વતની અને હાલ શાપર ખાતે પિતાના ઘરે રહેતી પુજાબેન ભરતભાઈ પરમાર તેનાં પિતા સાથે ગોંડલ કોર્ટમા આવી હતી. પરિણીતાના લગ્ન લોધિકા તાલુકાના પિપરડી ગામે થયા હતા. જોકે, પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જે અંગે ગોંડલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોર્ટમાં કેસ બાબતે કોઈ યોગ્ય સમાધાન કે નિરાકરણ ન આવતા પરિણીતાએ હતાશામાં જૂની કોર્ટની અંદર જ ફીનાઇલ પી લીધું હતું. ફીનાઇલ પીધા બાદ મહિલા જૂની કોર્ટની બહાર રોડ પર આવતા અચાનક ઢળી પડી હતી. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. કોળી યુવા ગ્રુપની એમ્બ્યુલન્સને જાણ કરાતા, મહિલાને તાત્કાલિક ગોંડલની ડો. સુખવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે કોર્ટ બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. (તસવીર: જીતેન્દ્ર આચાર્ય)
