સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે તા. 27/10/2026, મંગળવારના રોજ જણસીઓની જંગી આવક નોંધાઈ હતી. આજે સવારથી જ માર્કેટયાર્ડ બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અંદાજે 900 થી વધુ વાહનો વિવિધ જણસીઓ ભરીને યાર્ડમાં આવ્યા હતા. ઘઉં, ચણા, એરંડા, કપાસ, કલોંજી, તુવેર, મગફળી, વટાણા, મેથી, જીરું, ધાણા, લસણ, સફેદ તલ, કાળા તલ સહિતની તમામ જણસીઓની આવક થઈ હતી.
યાર્ડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સૌથી વધુ આવક મગફળીની રહી હતી. આજે મગફળીની અંદાજે 65,000 મણ એટલે કે પાંસઠ હજાર મણ આવક નોંધાઈ છે. તેની સાથે સિંગફાડા/દાણાની આવક પણ 12,500 મણ જેટલી રહી હતી. ખેડૂતોમાં મગફળીના સારા ભાવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તલની આવકની વાત કરીએ તો સફેદ તલની 9,100 મણ અને કાળા તલની 2,300 મણ આવક થઈ હતી. કપાસની સીઝન શરૂૂ થતા આજે કપાસની પણ 9,000 મણ આવક નોંધાઈ છે. મસાલા પાકોમાં જીરુંની 5,600 મણ, ધાણાની સારી આવક, અને કલોંજીની 1,300 મણ આવક રહી હતી.
અન્ય જણસીઓમાં ઘઉંની 4,500 મણ, ચણાની 4,200 મણ, વટાણાની 2,800 મણ અને લસણની 3,000 મણ આવક થવા પામી હતી. જ્યારે સોયાબીનની આવક આજે નહિવત્ એટલે કે નીલ રહી હતી. વધુ પડતા વાહનોની આવકને પહોંચી વળવા માટે રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વા.ચેરમેનતથા તમામ ડિરેક્ટરઓ અને સ્ટાફ દ્વારા અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વાહનોને ક્રમવાર પ્રવેશ આપી અને શાંતિપૂર્ણ રીતે ઉતરાઈ કરાવવામાં આવી હતી. કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું ચેરમેનએ જણાવ્યું હતું.
