જામનગર જિલ્લાના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું ’સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’: હાઈ એલર્ટ

એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરમત, સિક્કા અને ડી.સી.સી. જેટી વિસ્તારમાં પેટ્રોલિંગ પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં…

એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરમત, સિક્કા અને ડી.સી.સી. જેટી વિસ્તારમાં પેટ્રોલિંગ

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હાઈ એલર્ટની સ્થિતિમાં પણ જામનગર જિલ્લાના દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની અસામાન્ય પરિસ્થિતિમાં ગાફેલ ન રહેવાય.

આ ખાસ ડ્રાઈવનું આયોજન ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારનો સમાવેશ થાય છે.

તેમનો ઉદ્દેશ દરિયાઈ સુરક્ષાને અભેદ્ય બનાવવાનો છે. જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. યાદવ અને મરીન કમાન્ડો દ્વારા જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં સરમતની નાળ, રસૂલનગર વિસ્તાર, સિક્કા સોલ્ટ ગેટ અને ડી.સી.સી. જેટી વિસ્તારનો સમાવેશ થાય છે. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની ટીમોએ દરિયાકાંઠાના તમામ લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ સેન્ટરોનું નિરીક્ષણ કર્યું હતું. શંકાસ્પદ બોટ અને વ્યક્તિઓની પૂછપરછ અને તલાશી લેવામાં આવી હતી. આતંકવાદી પ્રવૃત્તિ કે ઘૂસણખોરીની શક્યતા ધરાવતી કાંઠા વિસ્તારની અવાવરુ જગ્યાઓનું પણ ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

મરીન ટાસ્ક ફોર્સના આ પગલાંથી જામનગરનો દરિયાકાંઠો વધુ સુરક્ષિત બન્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે, અને દરિયાઈ વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસમાં સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *