મોરબી એસઓજી શાખાએ બાતમીના આધારે ભારતનગર મફતીયાપરા વિસ્તારમાં રેડ પાડીને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. પોલીસે રહેણાંક મકાનની પાછળ આવેલા વાડામાંથી લીલા ગાંજાના છોડ અને સુકા ગાંજાના જથ્થા સાથે એક વૃદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીમાં વિદ્યુતનગર સોસાયટી પાછળ ભારતનગર મફતીયાપરામાં રહેતા 67 વર્ષીય પ્રભુભાઇ રધુભાઇ મકવાણાએ પોતાના કબ્જા ભોગવટાના વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કર્યું હતું. એસ.ઓ.જી. શાખાએ દરોડો પાડીને ત્યાંથી નાના-મોટા લીલા ગાંજાના છોડ નંગ-8 (વજન 4 કિલો 086 ગ્રામ, કિંમત રૂપિયા 2,04,300) તેમજ વેચાણ માટે રાખેલો અન્ય સુકો ગાંજાનો જથ્થો (વજન 290 ગ્રામ, કિંમત રૂપિયા 14,500) શોધી કાઢ્યો હતો.
આમ, કુલ 4 કિલો 376 ગ્રામ ગાંજાનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા 2,18,800 થાય છે, તે તેમજ પ્લાસ્ટિકની કોથળી અને આધારકાર્ડની નકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી પ્રભુભાઇ મકવાણાને ઝડપી લેવામાં આવ્યો હતો.આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
