બરવાળા તાલુકાના ભીમનાથ ગામ નજીક બરવાળા-ધંધુકા હાઈવે પરથી એક અજાણ્યા આધેડ પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. ચોકડી ગામના પાટિયાથી થોડે દૂર વાડી વિસ્તારમાં અવાવરુ જગ્યાએથી આ મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, મૃતક આશરે 45 વર્ષની ઉંમરના હોવાનું જણાય છે. મૃતદેહ અત્યંત કોહવાયેલી અને દુર્ગંધ મારતી હાલતમાં હતો.ઘટનાની જાણ થતાં જ બરવાળા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળ પંચનામું કરી મૃતદેહનો કબજો મેળવ્યો હતો.
ત્યારબાદ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ નવદીપકુમાર વસાવા અને તેમની ટીમ દ્વારા મૃતકની ઓળખ, મૃત્યુનું કારણ અને સમય જાણવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
