ઉપલેટામાં રોડ રસ્તામાં ગટરના ઢાંકણા ગાયબ: ભ્રષ્ટાચાર કે ચોરી ?

ઉપલેટા શહેરમાં વીજળી રોડ પર તાજેતરમાં નાખવામાં આવેલા ગટરના લોખંડના ઢાંકણા અને જાળીઓ રાતોરાત ગાયબ થઈ જતાં ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત…

ઉપલેટા શહેરમાં વીજળી રોડ પર તાજેતરમાં નાખવામાં આવેલા ગટરના લોખંડના ઢાંકણા અને જાળીઓ રાતોરાત ગાયબ થઈ જતાં ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે ચોરોએ માત્ર એવી જ જગ્યાઓને નિશાન બનાવી છે જ્યાં આસપાસ કોઈ CCTV કેમેરા નથી. આ ઉઠાંતરીને કારણે ખુલ્લી થયેલી ગટરો રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ બની છે; બે દિવસ પૂર્વે જ એક મહિલા આ ખુલ્લી કુંડીમાં ખાબકતા ઈજાગ્રસ્ત થઈ હતી.

આ ગંભીર બેદરકારી અંગે વોર્ડ નં. 3 ના અપક્ષ સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજાએ સ્થાનિક વેપારીઓની ફરિયાદ બાદ સ્થળ મુલાકાત લીધી હતી. વેપારીઓ અને નગરજનોમાં એવી શંકા પ્રબળ બની છે કે આ કૃત્ય કોઈ જાણભેદુનું હોઈ શકે છે, જે કેમેરાના બ્લાઈન્ડ સ્પોટથી વાકેફ હોય. ચંદ્રપાલસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, નગરપાલિકાએ આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી સત્ય બહાર આવે. લોકોમાં એવી ચર્ચા છે કે શું આ ખરેખર ચોરી છે કે પછી ગટરના કામમાં થયેલા હલકી ગુણવત્તાના કામ અને ભ્રષ્ટાચારને છુપાવવા માટે ઈરાદાપૂર્વક ઢાંકણા હટાવી લેવાયા છે? જો નગરપાલિકા પોલીસ ફરિયાદ કરવામાં ઢીલ કરે તો સ્પષ્ટ થશે કે તંત્ર પોતે જ ’ફોલ્ટ’માં છે.

બીજી તરફ, આ મામલે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર ડો. ઉદય નસીતનો સંપર્ક કરતા તેઓ ઘટનાથી અજાણ હોવાનું રટણ કરતા જોવા મળ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, “અમને ખ્યાલ નથી, તમારી પાસે ફોટા હોય તો આપો, અમે તપાસ કરાવીશું.” જવાબદાર અધિકારીના આવા ઉડાઉ જવાબથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા પોતાની નૈતિક જવાબદારી સમજી પોલીસ ફરિયાદ કરે છે કે પછી ભ્રષ્ટાચાર પર પડદો પાડવા મામલો દબાવી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *