જૂનાગઢના માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ જામવાડીના એક વિવાદિત પુલના કામને લઈ પ્રાંત અધિકારીની હાજરીમાં ખેડૂતને ગાળો કાઢતા વિવાદ થયો છે. ધારાસભ્યએ ખેડૂતને કહ્યું હતું કે, ’હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું.’ જો કે, વીડિયો વાઈરલ થતા બચાવ કરતા બોલ્યા- ‘ખાલી બોલાચાલી થઈ છે, આ તો અમારા વિસ્તારમાં રૂૂટીન શબ્દ છે!’
માંગરોળના જામવાડી ગામે ખેડૂતોએ ખેતરમાં અવરજવર કરવા માટે 7 લાખના ખર્ચે પુલ બનાવ્યો છે. આ બાબતે ગામના સરપંચે ફરિયાદ કરતા કલેકટરે તપાસનો હુકમ કર્યો હતો અને પુલની ઊંચાઈ એક મીટર રાખવા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, મંજૂરી કરતા વધુ ઊંચો પુલ બનાવ્યાની ફરિયાદ થતા ધારાસભ્ય અને પ્રાંત અધિકારી તપાસ માટે પહોંચ્યા હતા.અહીં હાજર ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થતા ધારાસભ્યએ અપશબ્દો કહી કહ્યું હતું કે, હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું.
ધારાસભ્યએ કહ્યું કે, અમને ફરિયાદ સંકલન સમિતિમાં સ્થળ તપાસ કરવા માટે આદેશ અપાયો હતો. ચોમાસામાં પુલમાં કચરો ફસાઈ જતા આસપાસની જમીનમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. મારી સામે એક ખેડૂત બોલતો હતો એટલે હું બોલ્યો હતો. જામવાડીના અરજદાર કાસમ દલે જણાવ્યું કે, ’મેં મારી માલિકીના ખેતરમાં અવરજવર કરવા માટે 7 લાખના ખર્ચે પુલ બનાવ્યો છે. પરંતુ સરપંચ તેને પાડી નાખવા માંગે છે. ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અહીં આવ્યા હતા અને મને ગાળો કાઢી હતી.
