જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ ક્ષેત્રમાં આવેલી ઘેડિયા કોળી સમાજની વાડીમાં સવારના સમયે ભારે હોબાળો અને હિંસક બનાવ સામે આવ્યો છે. વાડીના મેનેજર રામજીભાઈ બાલસ પર એક શખ્સે અચાનક જીવલેણ હુમલો કરી લોખંડની બેરિકેડ તેમજ કચરાપેટી વડે નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. હુમલાખોરે વાડીની ઓફિસમાં ઘૂસીને તોડફોડ મચાવી મહત્વના દસ્તાવેજો અને રજિસ્ટર ફાડી નાખ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા મેનેજરને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં પોલીસે પહોંચીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઈજાગ્રસ્ત મેનેજર રામજીભાઈના જણાવ્યા અનુસાર, બનાવના આગલા દિવસે બપોરે આશરે દોઢ વાગ્યાના અરસામાં ડેલવાડાનો એક શખ્સ વાડીમાં આવ્યો હતો. વાડીના નિયમ મુજબ એન્ટ્રી રજિસ્ટરમાં નોંધણી કરાવવા બાબતે વાતચીત થતાં મેનેજરે પ્રમુખ અશોકભાઈ સાથે વાત કરવા જણાવ્યું હતું. તે શખ્સે ફોન પર પ્રમુખ સાથે વાતચીત કરી ઉપરના માળે આંટો મારીને ત્યાંથી રવાના થઈ ગયો હતો, જેથી તે સમયે મામલો શાંત થઈ ગયો હોવાનું જણાયું હતું.
બીજા દિવસે સવારે આશરે 10:30 વાગ્યાની આસપાસ તે શખ્સ ફરીથી એકલો વાડી ખાતે ધસી આવ્યો હતો. મેનેજર ઓફિસમાં હતા ત્યારે દરવાજો ખખડાવતાં તેઓ જેવા બહાર આવ્યા કે તરત જ આરોપીએ તેમનો કાઠલો પકડીને નીચે પટકી દીધા હતા. ત્યારબાદ ઉશ્કેરાયેલા શખ્સે ત્યાં પડેલી રોડ બેરિકેડ કરવાની લોખંડની ઘોડી ઉપાડીને મેનેજરના માથાના ભાગે ઝીંકી દીધી હતી અને મોટું ડસ્ટબિન કમર પર ફટકારી દેતાં મેનેજરને માથા તેમજ પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હુમલો કર્યા બાદ પણ આરોપીનો ગુસ્સો શાંત થયો ન હતો અને તેણે વાડીની ઓફિસમાં ઘૂસીને અંદર લાગેલી હેલોજન એલઈડી લાઈટો તેમજ અન્ય સાધન-સામગ્રીમાં ભારે તોડફોડ કરી હતી. આરોપી ઓફિસમાં રાખેલું મુખ્ય એન્ટ્રી રજિસ્ટર આખું ફાડીને પોતાની સાથે લઈને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા મેનેજરે પ્રાઈવેટ રિક્ષા મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચીને હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે સમગ્ર ઘટના અંગે લેખિતમાં વિગતો આપી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમે સિવિલ હોસ્પિટલ પહોંચી ભોગ બનનાર મેનેજર રામજીભાઈનું નિવેદન નોંધી કાયદેસરનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પવિત્ર ભવનાથ તળેટી વિસ્તારમાં ખુલ્લેઆમ થયેલા આ હુમલા અને તોડફોડની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે વાડી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર હુમલાખોરને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
