ગીરગઢડાના નગડિયા પાસે 2000 કિલો રક્ષિત ખેરના લાકડા સાથે શખ્સ ઝડપાયો

વન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કટીંગ અને તસ્કરી પાછળ મોટી ગેંગ છે કે કેમ તે અંગે તપાસ શરૂ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નગડિયા ગામે…

વન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કટીંગ અને તસ્કરી પાછળ મોટી ગેંગ છે કે કેમ તે અંગે તપાસ શરૂ

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નગડિયા ગામે વન વિભાગે વન્ય સંપત્તિની ચોરી રોકવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે વન વિભાગે ગેરકાયદેસર રીતે પરિવહન કરવામાં આવતા આશરે 2,000 કિલો રક્ષિત ખેરના લાકડાનો જથ્થો બોલેરો ગાડી સાથે ઝડપી પાડ્યો છે. આ મામલે ખિલાવડના એક શખ્સની અટકાયત કરી કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી ઉના અને ગીરગઢડા પંથકમાં રક્ષિત વૃક્ષોનું ગેરકાયદેસર છેદન (કટીંગ) થતું હોવાની ફરિયાદો વન વિભાગને મળી રહી હતી. આ દરમિયાન વન વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે, નગડિયા ગામના માર્ગ પરથી રક્ષિત લાકડાનો મોટો જથ્થો પસાર થવાનો છે. બાતમીના આધારે વન વિભાગની ટીમે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ૠઉં-11-ટટ-6220 નંબરની શંકાસ્પદ બોલેરો ગાડી પસાર થતાં તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન વાહનમાંથી અંદાજે 2,000 કિલો ખેરના લાકડા મળી આવ્યા હતા. વન વિભાગે ગાડીના ચાલક ભાવેશ સવજીભાઈ ભીલ (રહે. ખિલાવડ) અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. આ રક્ષિત લાકડાનો જથ્થો ઉમેજ ગામના શખ્સના કહેવાથી નવાબંદરની એક ફિશ મિલમાં પહોંચાડવાનો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

ખેરના વૃક્ષને ભારતીય વન અધિનિયમ હેઠળ રક્ષણ મળેલું છે. જો આ વૃક્ષ ખાનગી માલિકીની જમીન પર ઉગેલું હોય, તો પણ વન વિભાગની પૂર્વ મંજૂરી વિના તેને કાપવું એ ગંભીર ગુનો બને છે. વગર પરવાનગીએ ખેરના વૃક્ષો કાપવા બદલ જેલની સજા અથવા ભારે દંડની કાયદાકીય જોગવાઈ છે. હાલ વન વિભાગની ટીમ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આ ગેરકાયદેસર કટીંગ અને તસ્કરી પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય છે કે કેમ અને અગાઉ આ રીતે કેટલા જથ્થાનું વહન કરવામાં આવ્યું છે, તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *