મેઈન્ટેનન્સની જવાબદારી કાનૂની છે, જસ્ટિસ ગીતા ગોપીની બેન્ચનો ચુકાદો
પતિની લોન ભરપાઈ અને અન્ય આર્થિક જવાબદારીઓ તેની પત્ની અને સંતાનને જીવન-નિર્વાહ માટે આપવાની મુખ્ય કાનૂની જવાબદારીને ઘટાડી શકે નહીં. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે પત્ની અને પુત્રી માટે મેઇન્ટેનન્સની રકમમાં નોંધપાત્ર વધારો કર્યો છે.0 સુરેન્દ્રનગરની ફેમિલી કોર્ટે મે 2025માં પતિને પત્ની માટે માસિક 12,000 રૂૂપિયા અને પુત્રી માટે 6,000 રૂૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. પત્નીએ આ આદેશને પડકારતા હાઈકોર્ટમાં અરજી કરી હતી અને વધુ રકમની માંગણી કરી હતી.
પત્નીએ કોર્ટમાં જણાવ્યું કે તેના પતિની નેટ માસિક સેલરી 79,238 રૂપિયા છે અને શેર ટ્રેડિંગમાંથી વધારાની આસપાસ 35,000 રૂપિયાની આવક છે. તેમણે દલીલ કરી કે પતિએ પોતાની સંપત્તિ અને આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે જાહેર કરી નથી. પતિએ અરજીનો વિરોધ કરતાં કહ્યું કે તેની પર લોનની જવાબદારી છે અને તેને તેના વૃદ્ધ પિતાને પણ સપોર્ટ કરવો પડે છે. તેમણે દાવો કર્યો કે પત્નીએ સ્વેચ્છાએ ઘર છોડી દીધું છે. બંને પક્ષોની સુનાવણી બાદ જસ્ટિસ ગીતા ગોપીની બેન્ચે જણાવ્યું કે ફેમિલી કોર્ટે પત્નીના આરોપોને સ્વીકાર્યા છે કે તેને ઘરખર્ચ આપવામાં આવતો ન હતો અને તેને માનસિક તેમજ શારીરિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
પત્નીએ પોતાની જુબાનીમાં ઘર પાછા આવવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ પતિએ તેને પાછી લાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયોનો હવાલો આપતાં જસ્ટિસ ગોપીએ કહ્યું કે મેઇન્ટેનન્સની રકમ વાજબી, વાસ્તવિક અને પક્ષોની આર્થિક સ્થિતિ અનુસાર હોવી જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે લોન ભરપાઈ (ખાસ કરીને સંપત્તિ બનાવવા માટેની)ની કપાતને મેઇન્ટેનન્સની જવાબદારી ઘટાડવા માટે વાપરી શકાય નહીં. કોર્ટે કહ્યું, લોનની રકમની કોઈ પણ કપાતને માન્યતા આપી શકાય નહીં કારણ કે તે સ્વૈચ્છિક છે અને સંપત્તિ મેળવવા સાથે સંબંધિત છે, જે પતિની પત્ની અને સંતાનને જાળવવાની મુખ્ય જવાબદારીને નબળી પાડી શકે નહીં.
પતિના પે-સ્લિપને ધ્યાનમાં લેતાં કોર્ટે જણાવ્યું કે તેને પોતાના સિવાય ત્રણ આશ્રિતોને સપોર્ટ કરવાની જવાબદારી છે. તેથી આવકને ચાર વ્યક્તિઓ વચ્ચે સમાન વહેંચવી જોઈએ. આખરે કોર્ટે પત્ની અને પુત્રી બંનેને માસિક 19,800 રૂૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
