કલ્યાણપુરમાંથી ત્રણ હજાર લીટર ડિઝલના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

કલ્યાણપુર પંથકમાં એલસીબી પોલીસે કરેલી કાર્યવાહીમાં કલ્યાણપુર નજીકના પોરબંદર – દ્વારકા માર્ગ પર આવેલા ગોઝીનેસ ગામના પાટીયા પાસે એક આસામીની બંધ હોટલ નજીક ગીર સોમનાથ…

કલ્યાણપુર પંથકમાં એલસીબી પોલીસે કરેલી કાર્યવાહીમાં કલ્યાણપુર નજીકના પોરબંદર – દ્વારકા માર્ગ પર આવેલા ગોઝીનેસ ગામના પાટીયા પાસે એક આસામીની બંધ હોટલ નજીક ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામના મૂળ રહીશ અને હાલ દ્વારકા નજીક આવેલી એક ખાનગી કંપનીમાં રહી અને નોકરી કરતા જીવા મુળાભાઈ કછોટ નામના 45 વર્ષના આહિર શખ્સ દ્વારા સંગ્રહિત કરવામાં આવેલો ડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસની કાર્યવાહીમાં ઉપરોક્ત શખ્સ દ્વારા સક્ષમ અધિકારીની પરવાનગી વગર જ્વલનશીલ પ્રવાહી રાખવા બાબતનું લાયસન્સ કે પરવાનો મેળવ્યા વગર તેમજ બિનસાલામત સ્થળે કોઈપણ પ્રકારની તકેદારી રાખ્યા વગર પોતાના કબજા ભોગવતાની ઓરડીમાં રાખેલો 3,000 લિટર ડીઝલનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે 2,70,000 ની કિંમતના ડીઝલ ઉપરાંત વેચાણ કરવા ઉપયોગમાં લીધેલી નોઝલ, નળી, પંપ વિગેરે રૂૂ. 30,000 નો મુદ્દામાલ તથા રૂૂપિયા 10,000 ની કિંમતનું એક જનરેટર અને રૂૂ. 10,000 ની કિંમતનો એક મોબાઇલ ફોન તથા હિસાબની કાચી નોટબુક વિગેરે મળીને કુલ રૂૂ. 3,20,000 નો મુદ્દામાલ કબજે કરી, આરોપી જીવા મુળા કછોટની અટકાયત કરવામાં આવી હતી.

આ પ્રકરણમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનો રહીશ ગોવિંદ સરમણ સોલંકી નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું જાહેર થયું છે. જેથી પોલીસે તેને હાલ ફરાર જાહેર કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે બીએનએસ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં કલ્યાણપુરથી આશરે 17 કિલોમીટર દુર ખાખરડા ગામના વાડી વિસ્તારમાં રહેતા અરવિંદસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના 40 વર્ષ શખ્સએ આ જ વિસ્તારમાં રહેતા જયપાલસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ. 32) સાથે પાર્ટનશીપમાં વિદેશી દારૂૂ મંગાવી અને પોતાના કબજાની વાડીમાં રહેલી ઓરડીમાં છુપાવ્યો હતો. જે એલસીબી પોલીસે કબજે કર્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે રૂૂ. 10,800 ની કિંમતની વિદેશી દારૂૂની 18 બોટલ તથા બે મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 25,800 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે જામનગર રહીશ રવિરાજસિંહ જાડેજાનું નામ પણ ખુલવા પામ્યું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *