જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે જિલ્લામાં ગેરકાયદેસર સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા રાજકોટ નજીક આવેલ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે અને નવાગામ જવાના રસ્તા નજીક લાલપરી નદીના પટમાં આવેલી આશરે 500 ચોરસ મીટર સરકારી જમીન પરનું ગેરકાયદેસર બાંધકામ આજે દૂર કરવામાં આવ્યું હતું. આ જમીનની અંદાજિત બજાર કિંમત પાંચ કરોડ રૂૂપિયા જેટલી થવા જાય છે.
આ કાર્યવાહી દરમિયાન, સરકારી જમીન પર બનેલી કેજીએન ચિકન અને ફિશની દુકાન, એક કાચું ગોડાઉન અને અન્ય કામચલાઉ બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં તલાટી ગ્રુપ-2 ધારાબેન વ્યાસ અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તારીખ 08/04/2025 ના રોજ દબાણકર્તાને નોટિસ આપવામાં આવી હતી. જો કે, દબાણકર્તા દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં બાંધકામ દૂર કરવામાં ન આવતા, આજે મામલતદાર એસ.જે. ચાવડા, સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા અને તલાટી ગ્રુપ-2 ધારાબેન વ્યાસની ટીમ દ્વારા સ્થળ પર જઈને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
